મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં એક પેઢી પર જઇ એલસીબીના કોન્સ્ટેબલ દ્વારા વિના કારણે લાફા ઝીકી દેતા વેપારીઓ રોષે ભરાયા હતાં. વેપારી મહા મંડળે વેપારીઓને સાથે રાખી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું છે. બીજી તરફ પોલીસકર્મીના લાફા પ્રકરણનો વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આર.કે. ડ્રેટીંગ નામની પેઢી પર જામનગર એલસીબીનો કોન્સ્ટેબલ મિતેશ પટેલ ગત શનિવારે પહોંચ્યો હતો. થોડી વાતચીત કર્યા બાદ કોઇ બાબતે ઉશ્કેરાઇ ગયેલા આ કોન્સ્ટેબલે વેપારી પર હુમલો કરી દીધો હતો. પુછપરછના બહાને આવેલા કોન્સ્ટેબલે વિના કારણે ઉશ્કેરાય જઇ વાણી વિલાસ આચરી વેપારીને લાફા ઝીકી દીધા હતાં. આ બનાવ સંદર્ભે વેપારીએ જામનગર વેપારી મહા મંડળને સમગ્ર હકિકત જણાવી હતી. આ બનાવને લઇને વેપારી મહામંડળે આગેવાની લઇ એલસીબીના કોન્સ્ટેબલ સામે પગલા ભરવાની માંગણી સાથે ચિમકીભર્યું આવેદનપત્ર પાઠવ્યું હતું. જો 72 કલાકની અંદર પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવેતો મંડળે આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

બીજી તરફ વેપારી પર થયેલા હુમલાના CCTV ફુટેજ વાયરલ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. તો પ્રજામાં પોલીસ પ્રત્યે પણ ફીટકાર વરસી રહ્યો છે.