મેરાન્યૂઝ નેટવર્ક. જામનગરઃ શિક્ષક કદી સાધારણ હોતો નથી એવી ઉક્તિ શિક્ષક દિન નિમિતે બોલાતી હોય છે અને શિક્ષક જ બાળકને શિક્ષા આપી સારું જીવન જીવવા પ્રેરણા પૂરી પાડતો હોય છે જોકે સમાજમાં વ્યાપી રહેલા દુષણોથી શિક્ષક પણ બચી શકતા નથી આવો જ એક કિસ્સો જામનગમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં શિક્ષક સટ્ટાના રવાડે ચડી જતા ૩૦ લાખની રકમ હારી ગયો હતો અને પછી શિક્ષક પત્ની પાસે ૧૦ લાખની દહેજની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે.

જામનગરની આ ઘટના કઈક એવી છે કે, જીલ્લા પંચાયતના તાબા હેઠળની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરીતાબેન કાવર નામની મહિલા શિક્ષિકાએ જામનગર ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેના પતિ અરવિંદ કાવર શિક્ષક છે જે સટ્ટાના રવાડે ચડી જતા ૩૦ લાખની રકમ હારી ગયો હોવાથી અને તેણે પત્નીને માવતરેથી ૧૦ લાખ રૂપિયા દહેજ લાવવા દબાણ કર્યું હતું અને આરોપી પતિએ પત્ની અને બે બાળકોનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ ફરિયાદી શિક્ષિકા પત્ની માવતરે કે ફરજના સ્થળ પર જાય ત્યાં પણ મિત્રો મારફત તેની પાછળ રેકી કરતો હતો અને ત્રાસ આપતો હતો. તો વળી આરોપી પતિના મામાનો દિકરો પોલીસપુત્ર હોવાથી ફરિયાદી સામે ખોટા કેસો પણ કરાવી રહ્યા છે.

કોર્ટ સમક્ષ ફરિયાદમાં ફરિયાદી પત્નીએ વધુ આપવીતી જણાવી હતી કે, તે હાલ અલગ રહેતી હોઈ તેના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આરોપીઓ મોબાઈલ ફોન ચોરી કરી ગયા છે આ બાબતે અદાલતે પોલીસ રિપોર્ટ મંગાવ્યો અને કેસના સંજોગો અને હકીકતોને ધ્યાને લઈને દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩-૪ તેમજ ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮ એ હેઠળ આરોપી અરવિંદ લવજી કાવર, વિનોદ ગોરધન સેરસીયા અને અરવિંદના મામાના દિકરા સામે નોંધાવેલી ફરિયાદમાં સીઆરપીસી કલમ ૨૦૨ મુજબ ઇન્ક્વાયરી કરવા જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનને આદેશ કરવામાં આવ્યો છે અને અદાલતના આદેશને પગલે પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.