મેરાન્યૂઝ નેટવર્ક. જામનગર : જામનગર નજીક આવેલ જામ વંથલી ગામે અનાદી કૃષ્ણનારાયણ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અને પ્રખર ભક્ત એવા હરિ બાપાએ પ્રભુ ખુદ પોતાને લેવા આવશે એવો કરેલો દાવાનો આખો દિવસ તમાશો ચાલ્યા બાદ અંતે દાવો ખોટો સાબિત થયો છે. અગાઉથી હરિબાપાએ આપેલ સમય મુજબ સાંજે પાંચ વાગ્યે બેસુધ્ધ થઇ ગયેલા હરિબાપાએ બે કલાક બાદ આંખ ખોલી અને સમગ્ર ઘટના ખોટી સાબિત થઇ, આ કબુલાત ખુદ હરિબાપા એ મીડિયા સમક્ષ કરી છે. એક તબ્બકે પોતાને એટેક આવી ગયાનું પણ બાપાએ હોસ્પીટલમાં જણાવ્યું હતું.

છેલ્લા ચાર મહિનાથી પોતાના અનુયાયીઓને જકડીને બેઠેલા હરિબાપાનો દાવો અંતે પોકળ સાબિત થતા કુતુહલ પ્રેરિત અને શ્રધ્ધા-અંધશ્રદ્ધા વચ્ચે રચાયેલા પ્લોટ નો નાટકીય અંત આવ્યો છે. વાત જાણે એમ છે કે, જામનગર જીલ્લાના જામ વંથલી ગામે આવેલ અનાદી કૃષ્ણનારાયણ મંદિરના સેવક અને વયોવૃદ્ધ ભાવિક એવા હરિલાલ બાપાએ અગમવાણી ભાખી કહ્યું હતું કે, ૨૪મી તારીખે પાંચ વાગ્યે મહારાજ (કૃષ્ણનારાયણ) મને ખુદ લેવા આવશે, પછી શું? સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના સીમાડા વટાવી ગયેલી આ ખ્યાતનામ જગ્યાના મહંતના અગમ સંદેશને દુર દુર પહોંચતા સમય ન લાગ્યો, ચાર માસ પૂર્વે હરિબાપાએ ઉચ્ચારેલી વાણીની ખારાઈનો સમય આવી ગયો, ભક્તો અને અનુયાયીઓનો પ્રવાહ ત્યારે મંદિર ભણી ઉમટ્યો હતો. સવારથી જ ભક્તોએ મંદિર પરીશરમાં જમાવડો ખડકી દેતા અનેરો માહોલ સર્જાયો હતો, એક તરફ હરિબાપા પોતાના પરિવારના સદસ્યો સાથે મંદિર પરિસરમાં જ બેસી, તમામ ભાવિકોને દર્શન આપતા હતા. બીજી તરફ બપોર થતા જ મંદિર પરિશર ભાવિકોના પ્રવાહથી ઉભરાઈ ગયું હતું.

એક તરફ ધૂન અને રાસ કીર્તનની જમાવટ વચ્ચે હરિબાપનો અંતિમ સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ ભાવિકોમાં ઉન્માદ વધતો ગયો અને અંતે તે અંતિમ ઘડી આવી ગઈ, બરાબર પાંચ વાગ્યે બાપા હરિ હરિ બોલતા એકાએક બેસુધ્ધ બની ગયા અને અમુક ભાવિકો પોક મૂકી રડતા તો અમુક શ્લોક બોલતા નજરે પડ્યા હતા, પાંચ અને છ વચ્ચેના ગાળામાં ભાવિકોની શ્રધ્ધા ચરમ સીમાએ પહોંચતા અને બાપાની એક જલક મેળવવા મંદિર પરિશરમાં રહેલા ભાવિકોમાં હોડ જામી હતી, પરંતુ હરિબાપાના ખોળિયા માંથી જીવ નહીં છુટતા આખરે પોલીસે ૧૦૮ને બોલાવી હતી. સાંજે સાતેક વાગ્યે મેડીકલ ટીમ આવી તે પૂર્વે હરિબાપાએ આંખો ખોલી, દરમિયાન તબીબી ટીમે ચકાસણી કરી બાપાને ધ્રોલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે હરિબાપાને હોસ્પિટલ લઇ જવાયા બાદમાં થોડી સારવારમાં જ બાપા તંદુરસ્ત બની ગયા હતા અને મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી, ‘ મારો દાવો ખોટો પડ્યો, આપણે ખોટા પડી ગયા’ એમ બાપાએ સહજ ભાવે સ્વીકાર કરી મંદિર છોડવાની તૈયારી દર્શાવી હતી. સાંજે પાંચ વાગ્યે પોતાને એટેક આવી ગયાનો ભાવ પણ પત્રકારો સમક્ષ રજુ કર્યો હતો. આમ આખા દિવસ ચાલેલા હાઈ પ્રોફાઈલ ડ્રામાનો અંતે અંત આવી ગયો હતો અને ખુદ મહારાજ પોતાને લેવા આવશે એવો દાવો ખોટો ઠરતા અનેક ભાવિકોમાં નાખુશીનું મોજું ફેલાઈ ગયું હતું.