મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગઇકાલે બપોર બાદ બે મુસ્લીમ જુથ વચ્ચે શસ્ત્ર અથડામણ થતાં બન્ને પક્ષે પાંચ વ્યકિતઓને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે આ બનાવની સામ સામે ફરિયાદ નોંધી હતી. વધુ સ્થિતિ ન વણશે તે માટે હોસ્પિટલે પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં અવાર-નવાર જુથ અથડામણના સામે આવતા બનાવો વચ્ચે વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં સંજય મીલ પાસે અબ્બાસ આમદ બેલાઇ અને તેના પરિવારના સીદીક બેલાઇ, કાસમ બેલાઇ પર ગુલામ હાજી સુરાણી, ગની હાજી સુરાણી, હમીદ હાજી સુરાણી, રજાક હાજી સુરાણી, અસલમ ગની સુરાણી, અકીલ ગુલામ સુરાણી, અશરફ હમીદ સુરાણી નામના શખ્સોએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી છરી, પાઇપ, તલવાર અને લાકડાના ધોકા સાથે હુમલો કરી ત્રણેયને મારી નાખવાના ઇરાદે ગંભીર ઇજા પહોંચાડી હતી.

આ બનાવ અંગે સામે પક્ષે હમીદ સુરાણીએ અબ્બાસ બેલાઇ, સીદીક બેલાઇ, કાસમ બેલાઇ, જાફર બેલાઇ, ખાલીદ બેલાઇ સહિતના પાંચ શખ્સોએ છરી અને છુટ્ટા પથ્થરો ફટકારી હમીદભાઇ તથા રજાકભાઇને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અબ્બાસભાઇએ હમીદભાઇને પોતાનું મકાન ગીરવે આપ્યું હતું આ મકાનમાં બાંધકામ કરતા હોવાથી તેઓને બાંધકામ કરવાનું ન કહેતા મામલો બીચકયો હતો અને સામસામે આવી જતાં ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચ્યો હતો.

પોલીસે આ બનાવને લઇને ઘટના સ્થળે દોડી જઇ, ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતાં અને સ્થિતિ વધુ ન વણશે તે અર્થે બેડેશ્વર વિસ્તાર અને હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.