મેરાન્યૂઝ નેટવર્ક,જામનગર: જામનગરમાં પંચવટી વિસ્તારમાં રહેતા જુદા-જુદા પરિવારના પાંચ ટાબરીયાઓ એકીસાથે ઘર છોડી નાશી જતા પરિવારમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયુ હતું. જો કે આ પાંચેય ટાબરીયા રાજકોટ રેલવે સ્ટેશન પરથી મળી આવતા પોલીસે પણ નિરાતનો દમ ખેંચ્યો છે. પાંચયે શખ્સો એકીસાથે કેમ ચાલ્યા ગયા ? તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં ચકચાર જગાવનાર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના પંચવટી ગૌશાળા પાસે મહેક સર્વિસ સ્ટેશનની બાજુમાં રહેતા ફાતીમાબેન અનવરભાઇ ચૌહાણ નામના મહિલાએ પોતાનો પુત્ર અયાન અને તેની સાથેના અન્ય ચાર મિત્રનું ગઇકાલે સાંજે સાડા છ વાગ્યે અજાણ્યા શખ્સ અપહરણ કરી ગયાની સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં અપહરણ કે અપહરણનું કારણ સ્પષ્ટ થવા પામ્યું ન હતું જેને લઇને પોલીસ દ્વારા વિધિવત તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પાંચેય ટાબારીયાઓના સગળ મેળવવા માટે શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓની પોલીસને પણ સર્તક કરી રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સતત વોચ રાખવા સુચના આપવામાં આવી હતી. દરમ્યાન આ પાંચેય ટાબરીયાઓ રાજકોટ રેલવે સ્ટેશન પરથી હેમખેમ મળી આવ્યા હતાં. બાળકો મળી આવ્યા છે તેની જાણ થતાં ચિંતામાં ડુબેલા પરિવારને ધરપત થઇ હતી. જામનગર પોલીસે રાજકોટ દોડી ગઇ આ પાંચેય બાળકોનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અયાનની સાથે અન્ય ચાર બાળકોમાં વિવેક અસ્વીનભાઈ કડ ઉવ ૧૬, નદીમ હનીફભાઈ સેતા ઉવ ૧૫ , જયરાજ રાકેશભાઈ કનોજીયા ઉવ ૧૬અને જેનિલ વિરેન્દ્રભાઈ શાહ ઉવ ૧૨ હોવાનું અને તમામ પંચવટી વિસ્તારમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે.