મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રાખવામાં આવેલા પ્લાસ્ટીકની ચીજ-વસ્તુઓમાં આજે એકાએક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો અને બાજુમાં જ આવેલ હોસ્પિટલ પરીશર સુધી પહોંચી જતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને સ્ટાફનો જીવ ઉચ્ચક બન્યો હતો. દર્દીઓના સગા-સંબંધીઓએ દાખલ દર્દીઓને સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલમાં રહેલા ગેસ સીલીન્ડરને અન્યત્ર ખસેડી મોટી દુર્ઘટના સહેજમાં ટાળવામાં આવી હતી. કોઇપણ કારણસર લાગેલી આગ બિલ્ડિંગના ઉપરના માળ સુધી પહોંચી જતાં ફાયરે તાબડતોબ ઘટના સ્થળે દોડી જઇ આગ પર નિયત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

શિયાળાની જમાવટ વચ્ચે આજે વહેલી સવારે જનજીવન હજુ તો આળસ મરડીને ઉભું થતું હતું ત્યાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ગીરનાર બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં રાખવામાં આવેલ પ્લાસ્ટીકના જથ્થામાં આગ લાગી હતી. કોઇપણ કારણસર લાગેલી આગે ગ્રાઉન્ડફ્લોરના સીમાડા વટાવી ગ્રાઉન્ડફ્લોરની દુકાનો અને ઉપરના માળ તરફ પ્રસરી વિકરાળરૂપ ધારણ કરી લેતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાના પગલે મહાનગરપાલિકાના ફાયર શાખાને જાણ કરવામાં આવતાં એક ટુકડી ત્વરીત ઘટના સ્થળે પહોંચી ગ્રાઉન્ડ ફલોરમાં પાણીનો મારો શરૂ કરી આગ પર નિયત્રણ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. આગના આ બનાવને લઇને ધબકતો થયેલો ચારેય રસ્તા પરનો માનવ મહેરામણ થંભી ગયો હતો. જેને લઇને પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. એક અને બે ગાડી બાદ આગની વિકરાળતા લઇને ફાયરની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અન્ય દિશાએથી બિલ્ડીંગ પર ચડી આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

બીજી તરફ આ બિલ્ડીંગની એકદમ નજીક આવેલ માધવ કોમ્પ્લેક્ષમાં ક્યુર એન્ડ કેર નામની હોસ્પિટલમાં પણ આગને લઇને દોડધામ મચી ગઇ હતી. અહીં દાખલ કરવામાં આવેલા દર્દીઓને બાટલા અને સીરીઝ ચલાવેલી હાલતમાં તેના જ સગા-સંબંધીઓને બહાર નીકળ્યા હતાં અને સલામત સ્થળે ખસેડાયા હતા તો બીજી તરફ હોસ્પિટલમાં રહેલ ઓકસીઝન સીલીન્ડરને લઇને તાત્કાલીક અન્યત્ર સ્થળે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી હોસ્પિટલમાં રહેલ અન્ય સામાન પણ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ફાયર દ્વારા ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. પરંતુ કયાં કારણોસર આગ લાગી છે તેનો સ્પષ્ટ તાગ મેળવી સકાયો નથી. પરંતુ શોટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.