મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરના હાપા રોડ પર આવેલ એક મોટર વર્કશોપમાં આજે અચાનક ભભૂકી ઉઠેલી આગને પગલે વર્કશોપમાં રહેલી ફોર્ચ્યુનર, સ્ક્વોડા સહિત ત્રણ મોંઘીઘાટ કાર બળીને ખાખ થઇ જવા પામી હતી. તો ઓફિસના ફર્નિચર સહિતનો અન્ય સામાન પણ બળીને ખાખ થયો હતો. ફાયરની ટીમે એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

હાપા રોડ નજીક આવેલા સાંઢીયા પુલ પાસેના ઉત્સવ મોટરવર્કસ નામની શોપમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ તાકીદે સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય જેથી આગને પગલે ઓફીસ ફર્નીચર, ફેબ્રિકેશન, ઇલેક્ટ્રોનિક્સ સામાન બળી જવા પામ્યો હતો. તેમજ રીપેરીંગ માટે આવેલી મોંઘીઘાટ ત્રણ કાર પણ આગમાં હોમાઈ જવા પામી હતી અને ફાયરની ટીમે લાગલગાટ એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. જોકે આગને પગલે કોઈ જાનહાની થયાના અહેવાલો મળ્યા નથી. જોકે ગેરેજના સંચાલક વિજયભાઈ ધારિયાએ આગને પગલે ત્રણ કાર તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને ૮૦ લાખ જેટલું નુકશાન થયાનું જણાવ્યું હતું. આગની લપેટમાં આવી ગયેલી ફોર્ચ્યુનર, સ્ક્વોડા સહીતની ત્રણ કાર બળીને ખાખ થઇ હતી અને નુકશાનીનો આંક લાખોમાં થવા પામ્યો છે.