મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં આવેલી એક જગ્યાએ રહેતી સગીર પુર્ત્રીને તેના જ પિતાએ પોતાની હવસનો શિકાર બનાવી હતી. જોકે આટલા મહિના બાદ પુત્રી ગર્ભવતી થતાં ચકચાર મચી જવા પામી છે. છ-સાત મહિના પૂર્વે પિતાના શારીરિક શોષણનો ભોગ બની ગયેલ બાળકીને એટલા જ મહિનાનો ગર્ભ રહી ગયો છે. જો કે ગર્ભાધાનને ખાસ્સો સમય થઇ ગયો હોવાથી માસુમને બાળક જન્મ આપવો પડશે એમ તબીબોએ અભિપ્રાય આપ્યો છે. બીજી તરફ પોલીસે આરોપી પિતાને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સગા ભાઈ-બહેને નાદાનિયતમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ બહેને બાળકને જન્મ આપ્યાની આઠ વરસ પૂર્વેની જામનગરની ઘટના પુનઃ તાજી થઇ છે. આ વખતે સગા બાપે પોતાની જ માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દેતા કલિયુગની અધમતાની ચરમસીમા આવી ગઈ છે. જેની વિગત મુજબ, જામનગરના એક વિસ્તારમાં રહેતા પરિવારના મોભી એવા પિતાએ આજથી છ-સાત મહિના પૂર્વે પોતાની માસુમ બાળકીને ઘરમાં જ ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો હતો.

સવારના આઠ વાગ્યાથી બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી આરોપી પિતાએ માસુમને ગોંધી રાખી સતત બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઈને તેણીને ગર્ભ રહી ગયો હતો. જોકે પુત્રી અત્યાર સુધી તો બોલી નહીં પણ આ ઘટના અંગે ગર્ભ રહી ગયા બાદ માસુમ પુત્રીએ પોતાની માતાને જાણ કરી હતી. દરમિયાન ગત રાત્રે પોતાની માસુમ પુત્રી સાથે માતા સીટી બી ડીવીજન પોલીસ દફતર પહોંચી હતી. પોલીસે સગા બાપ સામે આઈપીસી કલમ ૩૭૬ અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી આરોપી પિતાને પકડી પાડ્યો છે. પોલીસે સગીરાનો કબજો સંભાળી મેડિકલ પરીક્ષણ કરાવવા સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.