મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર તાલુકાના ૧૦૨ ગામના સરપંચ અને અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા જામનગર ખાતે વિરાટ ખેડૂત સમેલન યોજાયું હતું. ખેડૂતોને લઈને સરકાર પોતાની નીતિ સાફ નહીં કરે તો ૨૦૧૯માં ખેડૂતો માફ નહીં કરે એમ એક સૂરથી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. કડકડતી ઠંડીમાં આવેલ ખેડૂતોએ સરકારને ચેતવણી આપ્યા બાદ વિશાળ રેલી કાઢી સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી પહોચી આવેદન પત્ર પાઠવ્યું હતું.

જામનગર તાલુકા સહીત જીલ્લા ભરમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. પરિણામે ખેડૂતોની હાલત કફોડી બની છે. અછતગ્રસ્તની સ્થિતિમાં સરકાર તરફથી જરૂરી મદદ નહીં કરતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. જેને લઈને જામનગર તાલુકાના ૧૦૨ ગામના સરપંચ અને અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા આજે જામનગર ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ખેડૂત આગેવાનોએ સરકારની નીતિ રીતીનો વિરોધ કરી આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. સાથે સાથે નાઘુના ગામના સરપંચે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે, સરકાર જો તેની નીતિ સ્પસ્ટ નહીં કરે તો ૨૦૧૯માં ખેડૂતો માફ નહીં કરે અને આ આંદોલન દિલ્લી સુધી લઇ જવાની તૈયારી દર્શાવી હતી. અપૂરતા વરસાદને કારણે જામનગર તાલુકામાં અછતગ્રસ્તની સ્થિતિ નિર્માણ પામી છે. જેને લઈને ખેડૂતોના દેવા માફ કરવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા જે કઈ પાક થયો છે તેના પોષણક્ષમ ભાવ મળે દિવસે વીજ પુરવઠો મળે અને નવી માપણીનું પ્રમોલગેશન રદ કરી રી-સર્વે કારવામાં આવે તેવી માંગણી.

આ સમેલનમાં બુલંદ બનાવવામાં આવી છે. બિન રાજકીય રીતે યોજાયેલ આ સંમેલનમાં બહોળી માત્રામાં ખેડૂતો જોડાયા હતા. ક્રોપ કટિંગમાં ગોબાચારી પાક વીમા બાબતે અસમંજસતા અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવા સરકાર આગળ આવે તેવી માંગણી ખેડૂતોએ દર્શાવી હતી. અન્યથા ચૂંટણી વખતે જોઈ લેવાની ચીમકી પણ ઉચારતા ખેડૂતો અચકાયા ન હતા. ખેતી, વીજળી, પાણી અને પૂરતા ઘાસચારાની માંગ સાથે એકત્ર થયેલ ખેડૂતો અને માલધારીઓએ સંમેલન બાદ વિશાળ રેલી કાઢી હતી. પોતાની માંગ સાથેના બેનરો રાખી ખેડૂતો ભાઈઓ અને બહેનો શહેરના રસ્તા પર નીકળી પડ્યા હતા. બે કિલો મિટર સુધી રેલી કાઢી ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં વહીવટી અધિકારી સમક્ષ પોતાની માંગી રાખી સરકારને અવગત કરાવવાની માંગણી કરી હતી. સામે પક્ષે નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયાએ પણ આ માંગણીને નીતિવિષયક ગણાવી ગાંધીનગર સુધી પહોંચાડી સરકારને જાણ કરી છે એમ જણાવી સરકાર પર ઠીકરું ફોળ્યું હતું.