મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આજથી આશરે છ વર્ષ પૂર્વે ખંભાળિયા નગરપાલિકાના પુર્વ પ્રમુખને માર મારવાના ગુના સંદર્ભેની ફરિયાદમાં ખંભાળિયાની કોર્ટે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ તથા તેમના લઘુબંધુ અને ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા વર્તમાન સદસ્ય એવા ત્રણ સતવારા આગેવાનોને એક વર્ષની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ ચકચારી બનાવની જાહેર થયેલી વિગત મુજબ રાજકોટ જિલ્લાના પડધરી ગામની એક શાળાનો આચાર્ય ખંભાળિયા તથા મોટી રાફુદળ ગામની સતવારા વિદ્યાર્થીનીઓને લઇને ભાગી ગયો હોવાથી આના વિરોધમાં તા. 25-7-2012 ના દિવસે ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિભાઇ દેવશીભાઇ નકુમ તથા સતવારા સમાજના અન્ય આગેવાનો-જ્ઞાતિજનોએ ખંભાળિયાના નાયબ કલેકટરને લેખીત આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ બાબતનું મનદુ:ખ રાખીને જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ હરીભાઇ વાલજીભાઇ નકુમ (રહે. નવીવાડી, હર્ષદપુર-જામખંભાળિયા) તેમના લઘુબંધુ ગોપાલભાઇ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તથા વર્તમાન સદસ્ય શૈલેષ ભવાનભાઇ કણઝારીયા (ઉ.વ.41, રહે. નવાપરા,ખંભાળિયા) એ સાથે મળી, કાંતિભાઇ નકુમને ખંભાળિયાના બેઠક રોડ પર બિભત્સ ગાળો કાઢી, આડેધડ માર મારવા સહિતની બાબતે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર કેસ ખંભાળિયાની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની અદાલતમાં ચાલી જતાં આ કેસમાં સરકાર તરફે એડવોકેટ એસ.આર.વસાવાએ સાહેદોની જુબાની પંચનામા, મેડિકલ સર્ટિફિકેટ વગેરે 80 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા દલીલોને ગ્રાહ્ય રાખી, ખંભાળિયાના ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ ડી.જે.પરમારએ હરીભાઇ વાલજીભાઇ નકુમ, શૈલેષ ભવાનભાઇ કણઝારીયા અને ગોપાલભાઇ વાલજીભાઇ નકુમને એક-એક વર્ષની કેદની સજા તથા એક-એક હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર ફરિયાદી કાંતીભાઇ ડી. નકુમને રૂા. પાંચ હજારનું વળતર પણ ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.