મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલા વિશાળ બંગલામાં રહેતા વૃદ્ધા પર જીવલેણ હુમલો કરી બે શખ્સો દ્વારા આચરવામાં આવેલ ૨૫ લાખના મુદ્દામાલની ચકચારી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. એક કિલો ઉપરાંતના સોનાના દાગીના અને રોકડ સહીતના ૨૭ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે સલાયાના રીઢા તસ્કર સહિત બે શખ્સોને જામનગર એલસીબીએ પકડી પાડ્યા છે. જેલમાં મળેલા બંને શખ્સોએ અન્ય એક રીઢા તસ્કર પાસેથી ટીપ મેળવી આ વારદાતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ વારદાતને અંજામ આપવામાં ટેકનોલોજીનો પણ તસ્કરોએ પુરતો ખ્યાલ રાખ્યો હતો. બંને તસ્કરોને ટીપ આપનાર શખ્સ સુધી પહોચવા પોલીસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. 

જામનગરમાં બે દિવસ પૂર્વે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર સાતમા આવેલ રિદ્ધિ સિદ્ધિ બંગલાને બે લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો. બંગલાની બારીની સ્ટોપર ખોલી અંદર પ્રવેશેલા બે શખ્સોએ એકલા રહેતા વૃદ્ધ શારદાબેનને બંધક બનાવી, હાથ પગ બાંધી દઈ, માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ બંને લૂંટારુઓએ રૂમની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને સોનાના બિસ્કિટ મળી ૨૫ લાખના મુદ્દામાલની લૂંટ આચરી ફરાર થઇ ગયા હતા. સવારે આ ઘટના સામે આવતા પોલીસ હરકતના આવી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી લૂંટની મોડેસ ઓપરેન્ડીને ઘ્યાને રાખી બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કર્યું હતું અને કલાકોની જહેમત બાદ પોલીસ લૂંટારુ સુધી પહોચી ગઈ હતી. પોલીસે બાતમીના આધારે જામનગર બસ સ્ટેશનમાં રાજકોટ તરફ જવાની પેરવી કરી રહેલા સલાયાના કુખ્યાત એજાજ ઉર્ફ એજ્લો રજાક વાઘેર અને તેના જામનગરના જ સાગરિત યુસુફ ઉર્ફ છાપરી ઉર્ફ ચપરી આમદ સુમરાને આંતરી લીધા હતા. પોલીસે બંને શખ્સોની પૂછપરછ કરતા લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો હતો. પોલીસે બંને શખ્સના કબજામાંથી ૧૧૫૦ ગ્રામ સોનાના દાગી, ૭૧૫ ગ્રામ ઈમીટેસન જ્વેલરી તથા ૬૬ હજારની રોકડ સહિત રૂપિયા ૨૭ લાખ ૬૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને શખ્સોના કબજામાંથી એક છરી પણ કબજે કરવામાં આવી હતી.

કુખ્યાત એજાજ અને યુસુફ વચ્ચે જામનગર જીલ્લા જેલમાં પ્રથમ મુલાકાત થઇ હતી. દરમિયાન બંને છૂટી ગયા બાદ એજાજે તાજેતરમાં સલાયા પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ કેશમાં ફરાર રહેલ એજાજને મિત્ર યુસુફે છ દિવસ પૂર્વે જામનગર બોલાવ્યો હતો. આ બંનેને અન્ય એક શખ્સે રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ચોરીની ટીપ આપી હતી. આ મુલાકાત બેડી ગેટ નજીક થઇ હતી. ત્યાર બાદ બંને લૂંટારુઓએ આ બંગલા પર ત્રણ દિવસ સુધી દિવસ રાત રેકી કરી હતી. બંગલામાં રહેતા વૃદ્ધા દિવસ દરમિયાન ક્યાં ક્યાં જાય છે. બંગલામાં કોણ કોણ આવે છે. રાત્રી દરમિયાનની આ વિસ્તારની ચહલ પહલ સહિતનો બંને શખ્સોએ તાગ મેળવ્યો હતો. ત્યારબાદ બે દિવસ પૂર્વે રાત્રે આ બંગલાને નિશાન બનાવ્યો હતો.

આ બંને શખ્સોએ સાતીર દિમાગથી ચોરી આચરી હતી જેમાં ટેક્નોલોજીની ખાસ દરકાર લેવામાં આવી હતી. બંને શખ્સોએ ચોરી કરવા અને જવાનો રૂટ પ્રથમથી જ નિર્ધાર કર્યો હતો. આ રૂટ પર કોઈ સીસીટીવી કેમેરા ન આવે તે ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોઈ હથિયાર ખરીદવાથી પણ પકડાઈ જવાની સંભાવના ન રહે તે માટે બંને લૂંટારુઓએ એક ભંગારવાડામાંથી જરૂરી હથિયારોની ચોરી કરી હતી. આટલી દરકાર લેવા છતાં બને શખ્સો પોલીસની જાળમાં આબાદ સપડાઈ ગયા હતા. ઉપરોક્ત સમગ્ર વિગતો જામનગર જીલ્લા પોલીસવડા પ્રદીપ સેજુલે પત્રકાર પરીષદમાં આપી હતી. પોલીસે આ બંગલાને નિશાન બનાવવાની ટીપ આપનાર શખ્સ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.