મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર લોકસભા સાથે જામનગર ગ્રામ્ય વિધાનસભાની પણ ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ છે. તમામ ઉમેદવારોએ સતત એક મહિનાથી પ્રચાર કાર્ય, રેલી અને રૂબરૂ જન સંપર્કથી માડી સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી મતદારોને રીજવવા પ્રયાસો કર્યા હતા. ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા ભાજપા–કોંગ્રેસના ઉમેદવારોએ આંશિક રીતે નિરાંતનો શ્વાસ ભર્યો છે, અમુક ઉમેદવારો પરિવાર સાથે સામાજિક-ધાર્મિક કાર્યક્રમોમાં સાથે રહી સમય વિતાવે છે, તો અમુક રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ત્યારે જામનગર ગ્રામ્ય વિધાનસભા ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર જયંતી સભાયાએ પોતાના વતનમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઇ પોતાનો થાક ઉતાર્યો છે.

જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ રાજીનામું આપી દેતા ચૂંટણી પંચે લોકસભાની સાથે જામનગર ગ્રામ્યની પણ ચૂંટણી જાહેર કરી હતી. બે દિવસ પૂર્વે જ બંને ચૂંટણીઓ પૂર્ણ થતા ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા વહીવટી તંત્રની સાથે તમામ પક્ષ અને અપક્ષ ઉમેદવારો-કાર્યકરોએ પણ નિરાંતનો દમ ખેંચ્યો છે. સાંસદ પૂનમ માડમ પાર્ટીઓની મીટીંગસમાં વ્યસ્ત બન્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારો પણ હળવા મૂડમાં જણાયા હતા.

લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુ કન્ડોરિયાએ પોતાનો સમય પરિવાર સાથે વિતાવી થાક ઉતાર્યો છે તો બીજી તરફ જામનગર ગ્રામ્ય બેઠકના કોંગી ઉમેદવારે જે કર્યું તે હાલ સોશ્યલ મીડિયામાં ખાસ્સું પોપ્યુલર થયું છે. કોંગી ઉમેદવાર જયંતી સભાયાએ પોતાના જામનગર નજીકના ગામ હડમતીયા ખાતે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી હતી. વૈષ્ણવ સપ્રદાયના એક કાર્યક્રમમાં તેઓએ કીર્તનની સાથે કીર્તનના જ તાલે જુમીને ઉત્સવની ઉજવણી કરી હતી. જયંતી સભાયાના જણાવ્યા અનુસાર આ એક ધાર્મિક કાર્યક્રમ હતો. જેમાં હું સહભાગી થઇ કીર્તનમાં પણ ભાગ લીધો હતો.