મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: આજે બીજા નોરતાની વહેલી સવાર જામનગરના નેપાળી ચોકીદાર પરિવાર માટે કાળ બનીને આવી. પટેલ કોલોની વિસ્તારમાં સવારમાં ઉઠી એપાર્ટમેન્ટના પરીસરમાં રમતી ચોકીદારની માસુમ બાળકીનું લિફ્ટમાં ફસાઇ જતાં કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. લિફ્ટ અને દરવાજા વચ્ચેના ભાગમાં બાળકીનું માથુ ફસાઇ જતાં કરૂણાસભર દ્રશ્યો સર્જાતા વાતાવરણમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી.

જામનગરમાં સર્જાયેલ કમકમાટીભર્યા બનાવની વિગત મુજબ, પટેલ કોલોની વિસ્તારમાં આવેલા આનંદબાગમાં આવેલા શ્રી રંગ રેસીડેન્સી નામના એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે રમતી-રમતી પ્રતિમા રાજેન્દ્રભાઇ (ઉ.વ.6) નામની બાળકી લિફ્ટમાં જઇ ચડી હતી. જ્યાં અચાનક લિફ્ટ ચાલુ થઇ જતાં આ બાળકી કંઇ સમજે તે પૂર્વે લિફ્ટમાં ફસાઇ ગઇ હતી. લિફ્ટ અને દરવાજા વચ્ચેની પ્લેટમાં માથા અને શરીરનો ભાગ આવી જતાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. છેલ્લા બે વર્ષથી આ એપાર્ટમેન્ટની ચોકીદારી કરતા નેપાળી રાજેન્દ્રભાઇની પુત્રી લિફ્ટમાં ફસાઇ જતાં માતા-પિતાએ આક્રંદ કર્યુ હતું જેના પગલે ફ્લેટ ધારકો તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. અને બાળકીને લિફ્ટમાંથી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. નેપાળી સોની પરિવારના મોભી એવા રાજેન્દ્રભાઇને સંતાનમાં બે બાળકી અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. જેમાંની મૃતક બાળકી સૌથી મોટુ સંતાન હતી. આ ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસ અને ફાયરે બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.