મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર નજીકના સિક્કા ગામે હાઉસીંગ બોર્ડમાં દરોડો પાડી સ્થાનિક પોલીસે ઘરમાં પાણીના ટાંકા નીચે ભોયરામાં સંતાડવામાં આવેલી 214 બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે સપ્લાય કરનાર શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. 

જામનગર શહેર-જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સંબંધિત પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી સતત આગળ ધપાવવામાં આવી છે. ગઇકાલે સિક્કા પોલીસ દ્વારા હાઉસીંગ બોર્ડમાં રહેતા હરદિપસિંહ દિપસિંહ જેઠવાના ઘરે ચોકકસ હકીકતના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘરની તલાસી લેતાં અંદરથી દારૂની એકપણ બોટલ મળી આવી ન હતી. દરમ્યાન પોલીસે ઘરની અંદર તથા બહારની સાઇડમાં જીવણટ પુર્વક શોધખોળ કરી હતી. જેમાં ઘરમાં પાણીના ટાંકા નીચે એક ભોયરું મળી આવ્યું હતું. આ ભોયરામાં પ્રવેશ કરતાં જ પોલીસને રૂા.1 લાખ 7 હજારની કિંમતનો 214 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પર મળી આવેલા હરદિપસિંહ જેઠવા તથા વિરેન્દ્રસિંહ ઉર્ફે વીકી કિરીટસિંહ જાડેજા વાળા શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે બન્ને શખ્સો સામે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં સપ્લાયર તરીકે એક વ્યક્તિનું નામ સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.