મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: બોલિવુડના કલાકારો ક્યાંકને ક્યાંક વિવાદોમાં ફસાતા જ રહે છે તો સ્ટાર કલાકારોના પરિવારો પણ માધ્યમોમાં વિવિધ કારણોસર ચમકતા હોય છે. આવો જ એક કેસ જામનગરમાં જોવા મળ્યો હતો. જેમાં બોલિવુડના સ્ટાર કોરિયોગ્રાફરના પરિવારને મારામારી કેસમાં આજે કોર્ટે નિર્દોષ ઠેરવતા ૧૩ વર્ષ બાદ મારામારી કેસમાં સેલિબ્રિટી પરિવારનો નિર્દોષ છુટકારો થવા પામ્યો છે.

બોલિવુડના જાણીતા પ્રોડ્યુસર, સ્ટાર કોરિયોગ્રાફર એવા રેમો ડિસોઝાના સગા ભાઈ ગણેશ, તેની બહેન વેણીબહેન અને બનેવી સામે વર્ષ ૨૦૦૫માં તેના પાડોશી અને સગા સંજયભાઈ મોહનભાઈ કુરૂપે પારિવારિક રાગ દ્વેષ રાખી છરી, પાઈપ, ધોકા વડે માર માર્યાનો ખોટો કેસ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જે ફરિયાદ સંદર્ભે અદાલતમાં કેસ ચાલી જતા ૧૩ વર્ષની લાંબી ટ્રાયલ દરમિયાન અનેક સાક્ષીઓ તેમજ તપાસ અધિકારી અને ડોક્ટર્સને તપાસવામાં આવેલ જેમાં એડવોકેટ દ્વારા સાક્ષીઓની લાંબી ઉલટ તપાસ કરેલ અને આરોપીઓ નિર્દોષ છે. માત્ર પારિવારીક ઝઘડાને કારણે ફરિયાદી તથા ફરિયાદીના માતા-પિતાએ ખોટો બનાવ ઉભો કરી, જાતે ઇજાઓ કરી, આરોપીઓએ છરી, પાઇપ, ધોકા તથા ઢીકા પાટુનો માર મારેલ છે તેવી ફરિયાદમાં લખાવેલી હકીકતો ઉલટ તપાસથી ખોટી સાબીત થયેલ છે. તેમજ હાલના કેસમાં પોલીસ ઇન્વેસ્ટીગેશન પણ ગેરકાયદેસર અને નિયમ વિરૂઘ્ધનું કરવામાં આવેલ છે. આમ, જ્યારે પોલીસે ખોટી ફરિયાદના આધારે માત્ર આરોપીઓ સેલિબ્રિટીના સગા હોય કાર્યવાહી કરેલ છે અને તે રીતે આરોપીઓના બચાવમાં સી.આર.પી.સી. કલમ-155 (ર) મુજબ પોલીસે કરેલી ચાર્જશીટ અને કાર્યવાહી દુષીત પ્રકારની છે તેવી દલીલ કરેલી. આ દલીલો તથા ગુજરાત હાઇકોર્ટના તાજેતરના ચુકાદા તથા સુપ્રિમ કોર્ટના રજુ કરેલ ચુકાદાઓ ઘ્યાને લઇ જામનગરના ત્રીજા એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટએ આરોપીઓનો બચાવ માની તમામ કલમોના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.