મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર મહાનગરપાલિકાના ભાજપના નગરસેવીકાએ આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી એસ્ટેટ અધિકારીની ઓફિસમાં ઘુસી જઈ લાઠીઓ ચાલવતા મહાપાલિકા પરિસરમાં દોડધામ સાથે સનસનાટી મચી ગઈ હતી. લાખોટા તળાવ નજી ઉભી રહેતી આઠ થી દસ રેકડીઓ હટાવવા ગયેલા એસ્ટેટની નીતિને લઈને મહિલા નગરસેવિકા રણચંડી બની હતી. આજે મહિલા નગર સેવિકા લાકડી સાથે એસ્ટેટ અધિકારીની ઓફીસ પહોચી ગરીબ રેકડી ધારકો સામે કરાતી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને લાકડી વિંજી ટેબલ પરની ફાઈલો પાડી દીધી હતી. મહિલા નગરસેવિકાના ઉગ્ર વર્તનને લઈને એસ્ટેટ અધિકારી તુરત ઓફીસ છોડી ભાગી ગયા હતા. 

જામનગર મહાનગરપાલિકામાં આજે અવનવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલ વોર્ડ નંબર ચારના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા આજે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં પોતાની રજૂઆતને લઈને પહોચ્યા હતા. નગરસેવિકા રચના નંદાણીયાએ લાખોટા લેક નજીક ઉભા રહેતા ગરીબ રેકડી ધારકોને હટાવવાના પ્રશ્નને લઈને વધુ એક વખત મહિલા નગરસેવીકા રણચંડી બન્યા હતા. આજે એસ્ટેટ વિભાગની એક ટીમ તળાવની પાળ નજી ઉભી રહેતી આ રેકડીઓ સુધી પહોચી હતી.  જેને લઈને નગરસેવિકા અંતિમ રજૂઆત કરવા એસ્ટેટ વિભાગમાં પહોચ્યા હતા. લાકડી સાથે એસ્ટેટ અધિકારીની ચેમ્બરમાં પહોચેલ નગરસેવિકા અને એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા વચ્ચે પ્રથમ વાતચીત થઇ હતી. ત્યારબાદ ગિન્નાયેલ નગરસેવિકાએ પોતાની લાકડી કાઢી અધિકારીના ટેબલ પર પછાડી ફાઈલોનો થપ્પો પાડી દીધો હતો. ભાજપના મહિલા નગરસેવિકાના રૌદ્ર સ્વરૂપને લઈને એસ્ટેટ અધિકારી તુરંત ઓફીસ છોડી ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે મહાપાલિકા પરિશરમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના બાદ મહિલા નગરસેવિકા તુરંત કમિશ્નરની ઓફીસ પહોચ્યા હતા અને સમગ્ર બનાવની જાતે જ જાણ કરી હતી. આ ઘટનાના પગલે મહાપાલિકા પરિશરમાં દોડધામ મચી ગઈ હતી.