મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ દેશમાં જયારે જયારે આતંકવાદી હુમલો થાય છે ત્યારે ત્યારે દેશભરમાં નાગરિકોનો ઉગ્રરોષ સામે આવે છે. દેશભરમાં કેન્ડલ રેલીથી માંડી શોક સભાઓ યોજવામાં આવે છે. બીજી તરફ હુમલા મુદ્દે રાજકીયપક્ષો દ્વારા રાજકારણ પણ ખેલી લેવામાં આવે છે. ત્યારે જામનગરમાં રીક્ષામાં કપડા વેંચતા સામાન્ય ફેરીયાએ દેશને અનોખી રાહ ચિંધતુ કાર્ય કર્યું છે. લતે લતે કપડા વહેંચી પેટયું રડતા આ વેપારીએ પોતાની ત્રણ દિવસની કમાણી શહીદોના પરિવારજનોને મોકલવાનો સંકલ્પ કર્યો છે.

સમયાંતરે દેશમાં આતંકવાદી હુમલા થતા આવ્યા છે. હુમલા બાદ દેશભરમાં  સહાનુભુતિનુ મોજુ પ્રસરી જાય છે. આ વખતે પણ દેશભરમાં એજ નારો પ્રબળ બન્યો છે અને હોવું પણ જોઇએ, 44-44 જવાનો શહીદ થઇ જાય અને ભારતીય ઘર બહાર ન નીકળી રોષ પ્રગટ ન કરે તો કેવું લાગે ? પરંતુ કેન્ડલ રેલી શોક સભાઓ અને બે મિનિટના મૌનમાં દેશદાઝ ઓછો અને દેખાડો જાજો હોય તેવુ ચિત્ર ઉપસી આવે છે. ત્યારે જામનગરના એક રીક્ષા ચાલકે પુલવામાં હુમલા બાદ અનોખી મિશાલ રજૂ કરી છે. પોતાના જ રીક્ષામાં તૈયાર કપડા વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આ રીક્ષા ચાલકે પોતાની ત્રણ દિવસની કમાણી પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોના પરિવારજનોને આપવાનો નાનો પણ પ્રેરણાદાયી નિર્ણ્ય કર્યો છે. લતે-લતે રિક્ષા લઇ કપડા વેચતા આ ફેરીયાએ દાખવેલી દેશદાઝની ભાવનાને નીચી ન આંકી શકાય. નાના વેપારી પાસેથી પણ દેશવાસીઓની શીખ લેવી જોઇએ એમ આ ફેરીયાનું પ્રેરણાદાયી કાર્ય કહી રહ્યું છે.