મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગરમાં લશ્કરની ત્રણ પાંખ પૈકીની આર્મીમાં ફરજ બજાવતા એક જવાને ગત રાત્રીના ફરજ પરના સ્થળે પોતાની સર્વિસ રાયફલમાંથી ગોળી છોડી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. 25 વર્ષીય ઉંમર ધરાવતા કેરળના જવાને કયાં કારણોસર આપઘાત કર્યો છે તે જાણવા માટે સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં લશ્કરની ત્રણેય પાંખમાં દર વર્ષે ફરજ બજાવતા જવાનો દ્વારા પોતાની જ સર્વિસ રાયફલમાંથી ગોળી છોડી આપઘાત કરવાના બનાવ બનતા આવ્યા છે ત્યારે આ જ રીતે આર્મીના વધુ એક જવાને ગત રાત્રીના આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની વિગત મુજબ મુળ કેરળના ત્રિવેંદ્રમ જિલ્લાના નેડુમંગડ તાલુકાના પાનગોડે ગામના 25 વર્ષની ઉંમર ધરાવતા વિશાખ કુમાર પી. નામના જવાને ગઇકાલે રાત્રે સવા દશેક વાગ્યાના સુમારે ઇન્ફન્ટ્રી બ્રિગેડ આર્મી કેમ્પ મદ્રાસ-6 કવાર્ટર ગાર્ડ પાસે પોતાની ફરજ દરમ્યાન પોતાની જ સર્વિસ રાયફલ ઇન્સાસમાંથી ફાયરીંગ કરી આપઘાત કરી લીધો છે.

આ બનાવ અંગે અરૂણ વનીયર નામના જવાને સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી. જેને લઇને પોલીસ દ્વારા ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક જવાનના મૃત્યુને લઇને આર્મી કેમ્પસમાં શોકનું મોજુ ફરી વળ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં નેવી અને એરફોર્સના જવાનોએ આપઘાત કર્યાના બે બનાવો નોંધાયા હતા.