મેરા ન્યૂઝ નેટવર્ક, જામનગર: દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા નામે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આંતર રાજ્ય સ્પર્ધાઓ યોજાઈ રહી છે જેમાં દેશભરના રમતવીરો ભાગ લઈને પોતાની પ્રતિભા ઝળકાવી રહ્યા છે ત્યારે જામનગર જીલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલી અને પ્રાથમિક અભ્યાસ પ્રાપ્ત કરેલી દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ૧૫૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

        આપણા સમાજમાં દિકરા અને દીકરીઓ વચ્ચે હજુ પણ ભેદભાવ જોવા મળે છે અને દંપતીઓ દિકરાને જ મહત્વ આપતા હોય છે ત્યારે દીકરીઓને ઓછું મહત્વ આપનાર વાલીઓ માટે પણ પ્રેરણાદાયી કહી શકાય તેમ જામનગર જીલ્લાની એક દીકરીએ દેશભરમાં જામનગરનું નામ રોશન કર્યું છે. રમતવીરોને પ્રોત્સાહન અને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા સ્પર્ધાઓ યોજાઈ રહી છે જે સ્પર્ધામાં તમામ રાજ્યના ખેલાડીઓએ ભાગ લઇ રહ્યા છે ત્યારે શાળાકીય સ્પર્ધાની શ્રેણીમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામની શ્રદ્ધા કથીરિયાએ પંદરસો મીટર દોડમાં ભાગ લીધો હતો. અન્ય પંદર રાજ્યોના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં શ્રદ્ધાએ પ્રથમ નંબર મેળવ્યો છે . અંદર સો મીટરની દોડ શ્રદ્ધાએ ૪ મિનિટ અને 42 સેકન્ડમાં પૂર્ણ કરી ઇતિહાસ રચી દીધો હતો. કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામમાં જન્મેલી ખેડૂતની દીકરીએ ગામની શાળામાં ધોરણ ૧ થી ૪ સુધી અભ્યાસ કર્યા બાદ કાલાવડની હીરપરા કન્યા છાત્રાલયમાં ધોરણ ૬ અને ૭ નો અભ્યાસ કર્યો હતો અને બાદમાં તે રાજકોટ અભ્યાસ અર્થે ગઈ હતી અને ધોરણ ૧૦ થી શ્રદ્ધા દેવગઢ બારિયા સ્પોર્ટ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે અને ધોરણ ૧૧ ની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય કક્ષાએ ઈતિહાસ રચી દીધો હતો. પિતાની એકની એક પુત્રી છેલ્લા અઢી વર્ષથી પોતાના માદરે વતન નથી આવી. પોતાની પુત્રીની સિદ્ધિથી ખુશ થયેલા ખેડૂત પિતા રાજેશભાઇ સમગ્ર સમાજને દીકરીનું મહત્વ સમજવાની શીખ આપી હતી અને દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ ના રાખવા પણ જણાવી રહ્યા છે.