મેરાન્યૂઝ નેટવર્ક.મેઘરજઃ પુલવમામાં આતંકીઓએ કરેલા હુમલામાં દેશના ૪૪ જવાનો શહીદ થતા ગમગીની છવાઈ હતી. ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સીમા પર સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના

આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોર જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન બરફ વર્ષા અને ભૂસ્ખલનના કારણે હિમશીલા પડતા તેની નીચે દટાયા હતા. તેમની સાથે ફરજબજાવતા જવાનોએ ખુશાલસિંહ ઠાકોરને બરફના થર નીચેથી બહાર કાઢ્યા હતા. જે બાદ આર્મીની હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને ખસેડાતા સઘન સારવાર બાદ જીંદગી સામેનો જંગ તેઓ હારી જતા મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુથી પરિવારજનો અને જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી.

મેઘરજના ઝરડા ગામના ખુશાલસિંહ રણછોડભાઈ ઠાકોર દેશની સેવા માટે ભારતીય લશ્કરમાં જોડાયા હતા. ૧૫ વર્ષથી દેશના વિવિધ સ્થળોએ માં-ભોમની રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં સરહદ પર કડકડતી માઈનસ ૧૦ થી વધુ ડિગ્રીમાં ફરજ બજાવી રહ્યા હતા. તે અરસામાં બરફવર્ષા થતા અને હિમશીલા પડતા ખુશાલસિંહ બરફના થર નીચે દટાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમની સાથે ફરજ બજાવતા સૈનિકોએ હિમશિલાની નીચેથી તેમને બહાર કાઢી તાબડતોડ આર્મી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ફરજપરના તબીબોએ સઘન સારવાર આપવા છતાં દુશ્મનોને જંગમાં હરાવવા સજ્જ બનેલ ખુશાલસિંહ ઠાકોર જીંદગી સામેનો જંગ ત્રણ દિવસ બાદ હારી જતા શહીદ થયા હતા. આ ઘટનાની જાણ પરિવારજનોને કરતા તાબડતોડ પહોંચી શહીદ જવાનના નશ્વર દેહને લેવા પહોંચ્યા હતા.  આજે સવારે શહીદ જવાનની અંતિમયાત્રા નીકળશે. ફોજી જવાનના આકસ્મિક મોતથી સમગ્ર પંથક અને અરવલ્લી જીલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી અને આખું ગામ હિબકે ચઢ્યું હતું.

ભારતીય લશ્કરમાં ફરજબજાવતા ખુશાલસિંહ ઠાકોરના આકસ્મિક મોતથી ૪ અને ૨ વર્ષીય સંતાને પિતૃછાયા ગુમાવતા અને તેમના પત્ની ભારતીબેને આધાર ગુમાવતા ભારે આઘાતમાં સરી પડ્યા હતા.