મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: જામનગર જિલાના જામજોધપુર પંથકમાં અધમતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પાલક પિતાએ પોતાની સાવકી માસુમ પુત્રી પર નજર બગાડી અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો સામે આવી છે. પતિની અધમતા સામે વિરોધ કરનાર પુત્રીની સગી જનેતા અને પોતાની પત્નીને પણ આરોપીએ ધોલધપાટ કરી ધમકી આપી માસુમ પર અનેક વખત અત્યાચાર કરતો રહ્યો હોવાની વિગતો જાણવા મળી છે. આ ફરિયાદને પગલે જીલ્લા ભરમાં નરાધમ પિતા સામે ફિટકારની લાગણી વરસી છે.

જામજોધપુર તાલુકાના એક ગામમાં પાલક પુત્રી પર બળાત્કાર ગુજારનાર એવા નરાધમ પિતાના શારીરિક અત્યાચારનો ભોગ બનેલ પુત્રીએ બાળકને જન્મ આપ્યાનો બનાવ હજુ તાજો જ છે ત્યાં વધુ એક બનાવે ચકચાર જગાવી છે, પ્રાપ્ત વિગતો મુજબ, જામજોધપુર પંથકના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા નરાધમ પિતાએ તેની જ પાલક પુત્રી પર નજર બગાડી અત્યાચાર ગુજારવો શરુ કર્યો હતો. માસુમ બાળકી દુનિયાદારી સમજે તે પૂર્વે જ પાલક પિતાએ પુત્રીને પીંખી નાખી હતી. પશુપાલનના વ્યવસાયમાં એક જગ્યાએ થી અન્ય જગ્યાએ પરિવાર સાથે ભટકતા નરાધમે છેલા છ વરસથી અનેક જગ્યા પર સગીર પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે જાણ થતા સગીરાની સગી માતા અને નરાધમની પત્નીએ પ્રતિકાર કરી નરાધામતા છોડી દેવા કહેતા નરાધમે તેની જ પત્નીને પણ ફટકારી હતી. અંતે આ બાબતે સગીર પુત્રીએ સ્થાનિક પોલીસના સંપર્કમાં આવી આ બાબતે સાવકા બાપ સામે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે સગીરાનો કબજો સંભાળી, મેડીકલ પરીક્ષણ કરાવી નરાધમ બાપની શોધખોળ હાથ ધરી છે.