મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર: ઉનાળામાં પીવાના પાણીની કટોકટીભરી સ્થિતિ સામે તંત્ર અને નાગરિકો રીતસરના ઝઝૂમી રહ્યા છે. સરકાર દ્વારા અંતરિયાળ ગામડાઓ સુધી પાણી પહોચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ પાણી ચોરી રોકવા વહિવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નર્મદાના નીરની મર્યાદિત આવક સામે જામનગર જીલ્લાના જામ જોધપુર તાલુકા મથકે થતી તોતિંગ પાણી ચોરી સામે આવી છે. એક મહિલા સહિતના ખેડૂતોએ નર્મદાની પાઈપ લાઈનના એર વાલ્વમાં જ પાઈપ લગાવી ખેતીમાં સિંચાઈ કરતા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે ફોજદારી કેસ પણ નોંધવામાં આવ્યો છે. 

ઉનાળામાં સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની કાયમી અછત સર્જાય છે. પાણીની મર્યાદિત સંગ્રહ ક્ષમતા અને સોર્સની ઉણપના કારણે ચોમાસા પૂર્વે બે મહિના પાણીની અછત ઉભી થાય છે. ત્યારે આ વખતે નર્મદાના પાણીની પણ માર્યાદિત પ્રાપ્તિને લઈને વહિવટી તંત્ર દ્વારા એક્સન પ્લાનના દાવા કરવામાં આવી રહ્યા છે અને ક્યાંય પણ પાણી અછત ન રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના નિવેદનો અપાઈ રહ્યા છે. ત્યારે જામજોધપુર તાલુકા મથકે ભાગોળે ખેતીની જમીન ધરાવતા અમુક ખેડૂતો દ્વારા નર્મદાની પાઈપ લાઈનમાંથી પાણી ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને લઈને ભાણવડ પાણી પુરવઠા તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રસિક મોહન સીણોજીયા, તેના ભાઈઓ રાવજી બહિ અને જમનભાઈ, દામજી ધનજી ખાંટ અને અન્ય પાંચ ખેડૂતો, ધનજી ભોવાન ઘરસડીયા અને અન્ય બે શારદાબેન કાન્તિલાલ, રોહિત કાન્તિલાલ સહિતના ૧૪ ખેડૂતો દ્વારા પાણી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને નાયબ કાર્યપાલક ઈજનેર જયદેવ સીન્હોરા એ તમામ ખેડૂતો સામે જામજોધપુર પોલીસમાં પાણી ચોરી અને જાહેર મિલકતને નુકસાન પહોચાડવા સબબ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ટર્મમાં જામજોધપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર ચીમનભાઈ સાપરિયાએ રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી તરીકે ફરજ બજાવી હતી, ત્યારે પૂર્વ કૃષિ મંત્રીના ગામમાંથી ખેડૂતો દ્વારા પાણી ચોરીની ઘટના સામે આવતા પોલીસ પણ હરકતમાં આવી છે.

ત્રણ જીલ્લાના પાણીની ચોરી: નર્મદા યોજનાની એનસી- ૨૧ બલ્ક પાઈપ લાઈનનો કાલાવડ તાલુકાના પાંચ દેવદા ગામે હેડ વર્કસ આવેલ છે. અહીથી જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના સાત તાલુકાના નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાઈપ લાઈન મારફત સાતેય તાલુકાના ૧૪, ૧૬,૬૪૦ નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે.