મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ સુરતના મેયર સહિતના પદાધિકારીઓની વરણી માટે ભારે ખેંચતાણ અને રસાકસી બાદ આખરે સૌરાષ્ટ્રવાસીઓનો હાથ ઉપર રહ્યો હતો. અઢી વર્ષ સુધી સૌરાષ્ટ્રવાસી અસ્મિતાબહેન શિરોયા રહ્યા હતા. ત્યાર પછી અઢી વર્ષ મૂળ સુરતીને મેયર બનાવશે તેવી ચર્ચા વચ્ચે વધુ અઢી વર્ષ માટે પણ સૌરાષ્ટ્રવાસી ડો. જગદીશ પટેલની મેયર પદે વરણી કરી તમામની અટકળો ઉંધી વાળી દીધી હતી.

સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિગ ચેરમેન સહિત અન્ય પદો પર નવા નેતાઓની વરણી કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે ડો. જગદીશ પટેલ, ડે. મેયર તરીકે નિરવ શાહ, સ્થાયી સમિતિ ચેરમેન તરીકે અનિલ ગોપલાણી અને શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકર મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે.

મેયર તરીકે સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. જેમાં મેયર પદે સૌરાષ્ટ્રવાસી ડો. જગદીશ પટેલની નિમણૂક કરાઈ છે. જ્યારે ડે. મેયર તરીકે મૂળ સુરતી નિરવ શાહની વરણી કરવામાં આવી છે. તેવી જ રીતે સ્થાયી સમિતિ ચેરમેન તરીકે સૌરાષ્ટ્રવાસી  અનિલ ગોપલાણી નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ગિરજાશંકર મિશ્રાની નિમણૂંક કરવામાં આવી છે.