મેરાન્યૂઝ નેટવર્ક, વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ પર એક યુવકે નાના અણીદાર હથિયારથી કરેલા આ હુમલામાં તેમના હાથની ઉપર ખભામાં ઈજાઓ થઇ છે. આ હુમલા પછી જગન મોહન રેડ્ડીને ત્યાંથી હૈદરાબાદના હોસ્પીટલમાં લઇ જઈ સારવાર આપવામાં આવી રહી છે. જયારે આરોપી યુવકની ધરપકડ કરી પોલીસ પૂછપરછ કરી રહી છે.

જગન મોહન આંધ્ર પ્રદેશમાં વિપક્ષના નેતા છે. આજે ગુરુવારે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર એક યુવકે નાના અણીદાર હથિયારથી તેમના ઉપર હુમલો કર્યો હતો. જો કે, આ યુવક કોણ છે તે અંગે પોલીસ ધ્વારા કશું બતાવવામાં આવ્યું નથી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જગન મોહન રેડ્ડી જેવા એરપોર્ટ લોન્જ્માંથી નીકળી રહ્યા હતા. ત્યારે આ યુવકે તેમના પર હુમલો કરી દીધો હતો. આ હુમલાથી રેડ્ડીના ખભા ઉપર ઘા પડી ગયો છે પરંતુ તેઓ સુરક્ષિત છે.

પોલીસે આ આરોપીની ધરાપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં આ યુવકના કોઈ રાજકીય સંબંધ સહીત તેણે કેમ આવું કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, જગન મોહનને તરત જ સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યા હતા. વિશાખાપટ્ટનમથી પાછા આવ્યા બાદ જગન મોહન રેડ્ડીને હૈદરાબાદ ખાતે ઓમેગા હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જયારે આ હુમલા પર પ્રતિક્રિયા આપતા જગન મોહન રેડ્ડીએ કહ્યું કે, જે પણ મારી સલામતી માટે ચિંતિત છે તેમને કહેવા માંગું છું કે હું સુરક્ષિત છું.ઈશ્વરની કૃપા અને પ્યાર સાથે આંધ્રના લોકોના આશીર્વાદે મને બચાવી લીધો છે. આવું કાયરતાપૂર્ણ કૃત્ય મને હતાશ કરવાના બદલે આર રાજ્યના લોકો માટે કામ કરવાના મારા નિશ્ચયને મજબુત કરશે.

વાયએસઆર કોંગ્રેસના ધારાસભ્ય વાય.યુ.રેડ્ડીએ સત્તાધીશ ટીડીપી પર આ હુમલો કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, પક્ષ આ અંગે પોતાની રીતે પણ તપાસ કરાવશે.