પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહ સહિત કેટલાક નેતાઓ પોતાનું મોંઢુ બંધ રાખે તો પણ કોંગ્રેસને ભવિષ્યમાં ફાયદો થાય તેમ છે. કોંગ્રેસને પ્રજાથી દુર કરવામાં ભાજપની જે મહેનત છે તેના કરતા વધુ દિગ્વિજયસિંહ જેવા નેતાઓએ ખોટા સમયે ખોટા નિવેદનો કરી પ્રજાને કોંગ્રેસની સુગ થઈ જાય તે પ્રકારનું કામ કર્યુ છે.  2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નાના મોટા તમામ નેતાઓને તાકીદ કરી હતી કે કોઈ પણ નેતા નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત અને હલકી કક્ષાના નિવેદન કરે નહીં.  આમ છતાં કોંગ્રેસના સિનિયર નેતા મણીશંકર ઐયરે નરેન્દ્ર મોદી માટે ‘નીચ’ શબ્દનો પ્રયોગ કર્યો.

જો કે પછી તરત મણીશંકરે લીપાપોતી કરવાનો અને તેમના શબ્દનો ખોટુ અર્થઘટન થયુ છે તેવો બચાવ કર્યો હતો, પણ રાહુલ ગાંઘીએ તેમને તરત રવાના કરી દીધા હતા. જ્યારે દિગ્વિજયસિંહના ફાળે બફાટ કરવાના અનેક રેકોર્ડ છે. અમેરીકાની જાસૂસી સંસ્થા સીઆઇએના રીપોર્ટના આધારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘને આંતકી સંગઠન ધોષિત કરવામાં આવતા કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા હતા, પણ કોંગ્રેસ વર્ષો સુધી દેશમાં સત્તામાં રહી છે. જો ખરેખર સંઘ આતંકી સંગઠન હોય તો કોંગ્રેસ સરકારને કેમ ખબર પડી નહીં  અને હવે અમેરીકાના રીપોર્ટના આધારે ઉછાળા મારી રહી છે. ભારતમાં જેમને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે પ્રેમ નથી તેવા નાગરિકો પણ માનવા તૈયાર નથી કે સંઘ આતંકી સંગઠન છે.

આતંકી થવા અને આતંક ફેલાવવા માટે ગજુ જોઈએ તેવી તાકાત સંઘ પાસે પહેલા પણ ન્હોતી અને આજે પણ નથી. સંઘ સાથે સીધા નહીં સંકળાયેલા પણ સંઘી વિચારધારાની નજીક રહેલા સંગઠનોએ મુસ્લિમોને પાઠ ભણાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે ફટાકડાનો બોમ્બ ફોડવા જેવો હતો. કદાચ બની શકે કે એક નાનુ જુથ હિંસાનો જવાબ હિંસાથી આપવા માગતુ હશે, પણ તેનું કોઈ વ્યવસ્થિત સંગઠન સંઘ પાસે નથી. સંઘ આતંકી સંગઠન છે તેવુ ભારતીની કોઈ એજન્સીએ સત્તાવાર અથવા બીનસત્તાવાર રીતે કહ્યુ નથી. છતાં 26-11ના મુંબઈ હુમલા ઉપર લખાયેલા પુસ્તકના વિમોચનમાં દિગ્વિજયસિંહે કહ્યુ મુંબઈ ઉપર થયેલા આતંકી હુમલા પાછળ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ છે.

આટલા વર્ષોથી સુધી દેશની રાજનિતીમાં રહેલા દિગ્વિજયસિંહ મુર્ખ તો નથી પણ આ પ્રકારના નિવેદન કેમ કરે છે તે સમજાતુ નથી. દેશભરની પોલીસ આંતકવાદીઓના નામે ગુંડાઓને ઠાર કરે છે તે કોઈ નવી વાત નથી. પરંતુ દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં પણ દિગ્વિજયસિંહ કુદી પડ્યા હતા. આવી ભુલો રાહુલ ગાંધીએ પણ કરી હતી,  ભારતીય લશ્કર દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે રાહુલ ગાંધીએ પણ પુરાવા માંગ્યા હતા. ખરેખર કેન્દ્રમાં કોઈ પણ પક્ષની સરકાર હોય ભારતીય લશ્કર પડોશી દેશની સરહદમાં ઘુસી આવા સિક્રેટ ઓપરેશન પાર પાડતી હોય છે.

આ પણ સિક્રેટ ઓપરેશનની ક્યારેય જાહેરમાં ચર્ચા કરવાની હોતી નથી. કોંગ્રેસના શાસનમાં પણ આવી સર્જિકલ સ્ટ્રાઈક ભારતીય લશ્કરે કરેલી છે. પરંતુ નરેન્દ્ર મોદીએ તરત તેની જાહેરાત કરી દીધી. આવી જાહેરાંત કરી પ્રજાને ખુશ કરવાની નરેન્દ્ર મોદીએ પણ જરૂર ન્હોતી, પણ સવાલ દેશનો હતો. આ વખતે કોંગ્રેસ અને રાહુલે ચુપ રહેવાની જરૂર હતી. પણ રાહુલ અને કેજરીવાલા જેવા નેતાઓ નરેન્દ્ર મોદી ખોટા છે કહી પ્રજાના મીટરમાં મોદીના માર્ક વધારી આપ્યા હતા. નરેન્દ્ર મોદી પ્રજાની નસ સારી રીતે પકડી શકે છે, કઈ રીતે અને ક્યારે કઈ ઘટનાની ટીઆરપી પણ મળશે તેની નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાને ખબર છે.

આ વખતે કોંગ્રેસે ચુપ રહી પોતાની ટીઆરપી  યથાવત રાખવી જોઈએ, પણ જે વાત સાથે પ્રજા સંમત થવાની નથી તેવા નિવેદન કરી પોતે પોતાના માર્ક ઓછા કરે છે. નરેન્દ્ર મોદી સારી જાણે છે કે કોંગ્રેસને ક્યા ચુટલો ભરો તો તે કઈ ભાષામાં બોલશે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ પોતાના તમામ નેતાઓને કહેવુ જોઈએ કે નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર કોંગ્રેસ પ્રજા માટે શુ કરવા માગે છે તેની જ વાત કરે, નરેન્દ્ર મોદીને ગાળ આપવાથી મોદીને ફાયદે થાય છે. ખરેખર પ્રજાના અચ્છે દિન આવ્યા છે કે નહીં તે કોંગ્રેસના નેતા બફાટથી નહીં પણ પ્રજાને સ્વાનુભવથી જ સમજાશે.