પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત ઈન્ટેલીજન્સ બ્યૂરોમાં વર્ષો સુધી ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને ઈન્ટેલીજન્સ ઓફિસર તરીકે મુકવામાં આવતા હતા, જેના કારણે પોલીસ માટે આઈબીનું પોસ્ટીંગ સજા તરીકે ઓળખાતુ હતું, અથવા જે અધિકારીને કામ નથી કરવું તેવા અધિકારી સામે ચાલી આઈબીમાં બદલી કરવી લેતા હતા. જેના પરિણામ સ્વરૂપ ગુજરાત આઈબી ખાડે ગયું હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી જુની પધ્ધતિમાં સુધારો થયો અને ઈન્ટેલીજન્સ ઓફિસર તરીકે સીધી ભરતી દ્વારા યુવાન ઈન્ટેલીજન્સ અધિકારીઓ આઈબીમાં આવ્યા, તેઓ વિવિધ બઢતી મેળવી નિવૃત્ત પણ આઈબીમાં જ થશે.

આ પ્રકારે ઈન્ટેલીજન્સ ઓફિસર તરીકે જોડાયેલા અનીલ પરમાર છેલ્લાં કેટલાંક દિવસથી ગુમ થઈ ગયા છે, જેની તપાસ હવે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. એક ચીઠ્ઠી લખી ગુમ થયેલા અનિલ પરમારનો ચીઠ્ઠી પ્રમાણેનો દાવો છે કે તેઓ એક ચોક્કસ જ્ઞાતિના  હોવાને કારણે તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. અનીલ પરમારની ચીઠ્ઠી સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં કોઈ પણ સંવેદનશીલ માણસને માઠું લાગે તે સ્વભાવીક છે, પરંતુ અનીલ પરમારના દાવા અને વાસ્તવીક્તા વચ્ચે મોટું અંતર છે. આઈબીના નિયમ પ્રમાણે આઈબીમાં ફરજ બજાવતા કોઈ પણ અધિકારીઓ પોતાની ઓળખ બને ત્યાં સુધી ગુપ્ત રાખવાની હોય છે, કારણ તેમની કામગીરી તેમની ઓળખ ગુપ્ત રહે તો વધુ સારી રીતે કરી શકતા હોય છે.

અનીલ પરમાર આઈબીનો હિસ્સો હતા, તેમના ભાગે કાયદો અને વ્યવસ્થાની રોજબરોજની કામગીરી ન્હોતી. છતાં તેઓ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર તરીકે આપી સામાન્ય માણસો વચ્ચે રોફ જાડતા હતા. ઈન્ટેલીજન્સ ઓફિસર પોલીસ સબઈન્સપેકટરની સમકક્ષ હોય છે, છતાં તેઓ ઈન્સપેકટર હોવાનો દાવો કરતા હતા. તેઓ પોતાના ખાનગી વાહન ઉપર પોલીસ પણ લખતા હતા, વિવિધ પોલીસ અધિકારીઓ દ્વારા તેમની વિરૂધ્ધ ગેરકાયદે કામ અને પોલીસ અધિકારીને શોભે નહીં તેવી પ્રવૃત્તીઓ અંગે ગુપ્ત રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. જેના આધારે તેમની સામે ખાતાકીય તપાસ પણ થઈ હતી અને તેમને બચાવ કરવાની તક પણ આપવામાં આવી હતી.

અનીલ પરમારનો દાવો છે કે તેમને ત્રાસ આપવા માટે આકરો દંડ કરવામાં આવ્યો હતો, પરંતુ આઈબીના દસ્તાવેજો બતાવે છે કે માત્ર અનીલ પરમારને ચોક્કસ જાતિના હોવાને કારણે દંડ થયો હોય તેવું નથી. જેઓ બીનદલિત વર્ગમાંથી આવે છે તેવા અધિકારીઓને પણ તેમની બેદરકારીને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. અનીલ પરમારને ખાનગી વ્યકિતઓને લાખો રૂપિયા પણ ચુકવવાના બાકી છે, પણ ખાનગી વ્યકિતને તેઓ પોલીસ ઈન્સપેકટર છે અને તેમના ભાઈ વ્યવસાયે વકિલ છે. તેના કારણે ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ પણ આઈબીને મળી હતી.

આમ અનીલ પરમાર સામે ખાતાકીય કાર્યવાહી કરવના અનેક કારણો હતા, જેના કારણે તેમને સરકારી સેવામાંથી કેમ ખસેડી દેવામાં આવે નહીં તેવી નોટિસ મળ્યા પછી તેઓ ચીઠ્ઠી લખી જતા રહ્યા છે. આ આખી ઘટના જોયા પછી કોઈને પણ સમજાય તેવી બાબત છે કે અનીલ પરમાર જે માનસીક ત્રાસ અનુભવી રહ્યા હતા, તે પરમાર અટક હોવાને કારણે નહીં પણ તેમની સ્વચ્છંદતા, નોકરીમાં બેદકારી અને પદના દુરઉપયોગને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે હતો. હજી પણ ગુજરાતમાં ચોક્કસ જ્ઞાતિના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે તેમની જ્ઞાતિ અને જાતીના કારણે દુરવ્યવહારનો ભોગ બનવું પડે છે તેને નકારી શકાય તેમ નથી, પરંતુ તમામ ઘટનાઓને એક ચશ્માથી જોવાની જરૂર નથી.

ઈન્ટેલીજન્સ ઓફિસર અનીલ પરમારનો કિસ્સો એક જુદી ઘટના છે, તેમના પ્રશ્નમાં તેમની જ્ઞાતિ અને જાતીનું કોઈ કારણ નથી, છતાં માત્ર તેને આધાર બનાવવમાં આવે ત્યારે જેમને ખરેખર અન્યાય થાય છે અને અન્યાય થશે તેવી વ્યકિતને ન્યાયની જરૂર હશે ત્યારે ન્યાય નહીં મળે અથવા તેમાં વિલંબ થશે.