નવી દિલ્હી: મહાત્મા ગાંધી જનતા પર જબરદસ્ત પ્રભાવ ધરાવતા હોવા છતાંય તેઓ ક્યારેય સરકારનો હિસ્સો બન્યા નહોતા. સરકારમાં કાર્યરત કોઈ વ્યક્તિના દેશના ઉદ્યોગપતિઓ સાથેના સંબંધોને અને મહાત્મા ગાંધીના સંબંધોથી સાવ જ જુદી રીતે મૂલવવા જરૂરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ નિવેદન કર્યું છે કે મહાત્મા ગાંધી અને ઉદ્યોગપતિ જી.ડી. બિરલા વચ્ચે પણ ઘણાં સારા સંબંધો હતા. તેમના આ નિવેદનને પરિણામે ઘણાં સવાલો ઊઠ્યા છે. જી.ડી. બિરલાના ખાણના પ્રોજેક્ટ પર બુલડોઝર ફેરવી દેવા માટે સત્તાવાળાઓ દ્વારા આમજનતા પર હિંસા આચરવામાં આવે તો શું મહાત્મા ગાંધીએ તે હિંસાને સમર્થન આપ્યું હોત? મહાત્મા ગાંધી તો એમ પણ ઇચ્છતા હતા કે વેપાર ઉદ્યોગો દરીદ્રનારાયણ (ગરીબો)નું શોષણ ન કરે અને સાધન શુદ્ધિના સિદ્ધાંતને ઉદ્યોગપતિઓ અપનાવે. મહાત્મા ગાંધીના ઉદ્યોગપતિઓ સાથેના સંબંધોના અને તેના પ્રકારના અનુસંધાનમાં આ સવાલો અંગે વધુ ઊંડાણપૂર્વક વિચાર થવો જરૂરી છે.

અહીં એક વાત સ્પષ્ટ કરી દેવા જેવી છે કે મહાત્મા ગાંધીના ઉદ્યોગપતિઓ સાથેના સંબંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉદ્યોગપતિઓ સાથેના સંબંધ સાથે તુલના જ કરી શકાય તેવી નથી. તેનું પહેલું કારણ એ છે કે મહાત્મા ગાંધીનો પક્ષ અને પ્રજા પર જબરદસ્ત પ્રભાવ હોવા છતાંય તેઓ ક્યારેય સરકારનો હિસ્સો નહોતા. તેમણે સરકારમાં ક્યારેય કોઈ હોદ્દો ભોગવ્યો જ નહોતો. તેથી જ તેમના ઉદ્યોગપતિઓ સાથેના સંબંધોને અત્યારના શાસકોના ઉદ્યોગપતિઓના સંબંધોની સરખામણીમાં સાવ જ અલગ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. બીજું, કોઈ બિઝનેસ હાઉસની કાર્યશૈલીમાં મહાત્મા ગાંધીને કોઈ સમસ્યા જણાય ત્યારે તેમણે હૃદય પરિવર્તનની વાત કરી છે અને તેની સાથે સાથે જ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરવાની હિમાયત કરી છે. અમદાવાદમાં ટેક્સટાઈલ મિલના કામદારો હડતાલ પર ઉતર્યા ત્યારે તેમણે કામદારોના ટેકામાં ઉપવાસ પણ કર્યા હતા.

ત્રીજું, મહાત્મા ગાંધી મોટા પાયા પર ઔદ્યોગિકરણ કરવાનો અને મોટા મશીનો લાવવાનો પણ વિરોધ કરતાં હતા. તેમ છતાંય તે સમયના કેટલાક ટોચના ઉદ્યોગપતિઓએ મહાત્મા ગાંધીને રોકડ કે પછી વસ્તુઓના સ્વરૂપમાં ટેકો આપ્યો હતો. મહાત્મા ગાંધી અને તેમના શિષ્યોના શિર્ષકથી વેદ મહેતાએ લખેલા એક પુસ્તકમાં આ અંગેની સમજૂતી પણ આપવામાં આવી છે. મહાત્મા ગાંધી અને તેમની ચળવળને ટેકો આપવા માટે જરૂરી મોટા ભાગના નાણાં વેપાર ક્ષેત્રના મોભી અંબાલાલ સારાભાઈ, જમનાલાલ બજાજ અને ઘનશ્યામદાસ બિરલાએ આપ્યા હતા.

મહાત્મા ગાંધીને ટોચના ઉદ્યોગપતિઓએ ભંડોળ પૂરું પાડ્યું હતું એટલું જ નહિ તેમાંના કેટલાક તેમના સારા મિત્રો, સલાહકાર અને સાથીઓ પણ હતા એ હકીકતને પણ નકારી શકાય તેમ નથી. અહીં નોંધવા લાયક મહત્વની બાબત તો એ છે કે ગાંધીજીએ તેમની સાથેના નજીકના સંબંધો જાળવી રાખવાનું ચાલુ રાખ્યું હતું. તેમ જ સાધન શુદ્ધિના સિદ્ધાંતને ન વરેલા ઉદ્યોગપતિઓ પાસેથી પણ તેમને ટેકો મળ્યો હતો.

ગાંધીજીના ટાટા અને બિરલા ઉદ્યોગગૃહો સાથેના સંબંધો આ તમામ બાબતની ઊંડાઈનો અંદાજ આપે છે. પૂણે નજીક ટાટા ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલા બંધ સામે મૂલશી સત્યાગ્રહના સ્વરૂપમાં 1920ના દાયકાના આરંભમાં જબરદસ્ત વિરોધ થયો હોવા છતાંય ગાંધીજીએ ટાટા સાથેના સંબંધો જાળવી રાખ્યા હતા. રાજેન્દ્ર વોહરાએ મુલશી સત્યાગ્રહના શિર્ષકથી લખેલા પુસ્તકમાં સત્યાગ્રહીઓ પર કરવામાં આવેલા દમનની વિગતો બહુ જ વ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવેલી છે. તદુપરાંત 1920ના દાયકાના આરંભમાં જમશેદપુરમાં આવેલા ટાટાની ફેક્ટરીમાં કામદારોએ પાડેલી હડતાલમાં કામદારો પર ગોળીબાર કરવામાં આવ્યો અને કેટલાક કામદારોના મૃત્યુ થયા હોવા છતાંય મહાત્મા ગાંધીએ ટાટા સાથેના સંબંધો ચાલુ રહ્યા હતા. 1913ની સાલમાં ટાટા કંપનીમાં જોડાયેલા જ્હોન એલ. કીનાને આ ઘટનાનું વર્ણન કરેલું છે. તેમણે ત્યારબાદ 25 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું હતું. છેલ્લા આઠ વર્ષ તો તેમણે કંપનીમાં જનરલ મેનેજર તરીકે કામ કર્યું હતું. તેમણે લખ્યું છે.

“...પ્લાન્ટના મશીનોને નુકસાન પહોંચાડતા અટકાવવા માટે રાખવામાં આવેલા સૈનિકોએ અચાનક ધસી આવેલા માણસોને ત્યાંથી ચાલ્યા જવા આદેશ કર્યો હતો. પરંતુ તે માણસોએ ત્યાંથી જવાની ઘસીને ના પાડી દીધી. તેથી સૈનિકોને તેમની બંદુકો લોડ કરીને તેમની સામે નિશાન તાકવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમના વાસ્તવિક કદ કરતાં વધુ મોટા થઈ ગયેલા બાળકો જેવા આ માણસો સેનાના જવાનો અને તેમના અધિકારીઓ સામે જોઈને અટ્ટહાસ્ય કર્યું. તેથી તેમના પર ગોળીબાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં હડતાલ પર ઉતરેલા 13 કામદારો માર્યા ગયા હતા અને ઘણાં ઇજા પામતા તેમને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી...”

1920ની સાલ પછીય ટાટાની ફેક્ટરીમાં કામદારોએ હડતાલ કરી હોવાનો અન્ય કિસ્સાઓ પણ નોંધાયેલા છે.

મહાત્મા ગાંધીના લાંબા સમય સુધી સાથી રહેલા અને તેમના સેક્રેટરી તરીકે કામ કરનાર મહાદેવભાઈ દેસાઈની ડાયરીમાં કરવામાં આવેલી એક નોંધમાં જણાવવામાં આવ્યું છે કે બે વર્ષ પહેલા (1923માં) કંપનીમાં એક વિવાદ થયો હતો. તેથી હડતાલ પડી હતી અને ગોળીબાર પણ કરવો પડ્યો હતો. જોકે તે જૂનો ઇતિહાસ છે. ”

ત્યારબાદ મહાદેવભાઈએ ગાંધીજીએ એસેમ્બ્લીને કરેલા સંબંધનની નોંધ કરેલી છેઃ

“ઘણાં દિવસથી હિન્દુસ્તાનના સૌથી મોટા ઉદ્યોગ સાહસિકને મળવાની ઇચ્છા હતી. અમે બે દિવસ સુધી ટાટાના આતિથ્ય સત્કારનો અનુભવ કર્યો છે. તેમણે અમને બહુ જ પ્રેમથી તેમની ટાઉનશીપ બતાવી હતી. હજીય તેઓ અમારી તરફ પ્રેમભાવ દર્શાવી-વરસાવી રહ્યા છે. હું પારસી કોમનો નાનો ભાઈ છું. આ પારસીઓની માફક મને અન્ય કોઈ કોમે ટેકો આપ્યો છે કે કેમ તે અંગે મને શંકા છે. હું જ્યારે દક્ષિણ આફ્રિકામાં હતો ત્યારે રતન ટાટાએ મને બહુ જ મોટો ટેકો આપ્યો તો. રૂ. 25000 મોકલનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેની સાથે તેમણે એમ પણ લખ્યું હતું કે જરૂર હોય તો હું તેમની પાસેથી વધુ પૈસા મંગાવી શકું છું. તેથી હું ટાટાના ઉપકારવશ છું. આજે પણ ટાટાએ બહુ જ ઊંડા પ્રેમની લાગણી દર્શાવી છે. તેમ જ જૂના મતભેદો પણ તેમણે દૂર કરી દીધા છે.”

ગાંધીજી જી.ડી. બિરલાની પણ ખૂબ જ નજીક હતા, તેમ વેદ મહેતાએ તેમના પુસ્તકમાં લખ્યું છે. “ગાંધીજીના અનુયાયી અને તેમના ચોક્કસ ઉદ્દેશ સાથેના કામમાં સદાય મદદરૂપ થતાં ઘનશ્યામદાસ બિરલાએ તેમના ધ્યેયની પૂર્તિ માટે અન્ય કોઈએ આપ્યા હોય તેના કરતાં વધુ પૈસા આપ્યા હતા”.

જોકે તેમના સંબંધો માત્ર ભંડોળ ઊભું કરવા પૂરતા જ સીમિત નહોતા. 1932માં હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે જી.ડી. બિરલા તેના સ્થાપક પ્રમુખ હતા. આ હોદ્દા પર 1959ની સાલ સુધી તેઓ રહ્યા હતા. ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા દિવસો બિરલા હાઉસમાં જ વીતાવ્યા હતા. ગાંધીજી બિરલા હાઉસની પ્રાર્થના સભામાં જતાં હતા ત્યારે જ તેમને ઠાર કરવામાં આવ્યા હતા.

જી.ડી. બિરલા તેમના બિઝનેસમાં સાધન શુદ્ધિના સિદ્ધાંતને અનુસરતા નહોતા તેવા ઘણાં નિર્દેશો મળતા જ હતા. મિલ્ટન ઇઝરાયલે તેમના કોમ્યુનિકેશન એન્ડ પાવર, પ્રોપર્ગેન્ડા એન્ડ ધ પ્રેસ ઈન ઇન્ડિયન નેશનલ સ્ટ્રગલ 1920-194માં લખ્યું છેઃ

“બોમ્બે કોન્ગ્રેસ બુલેટિનના એક તંત્રીલેખ‘પીડાનો હજી અંત આવ્યો નથી’ શિર્ષક હેઠળ પ્રગટ કરવામાં આવેલા તંત્રીલેખમાં જી.ડી. બિરલા અને પુરુષોત્તમદાસ ઠાકુરદાસ પર ઇંગ્લેન્ડમાં બુલિયન-સોનાની નિકાસ કરવા માટે આકરાં પ્રહારો કરવામાં આવ્યા હતા. ભારત સાથે વિશ્વાસઘાત કરનારા આ લોકો બુલિયનના સોદાઓ કરીને આપણને ગરીબ અને આપણા શત્રુઓને અમીર બનાવી રહ્યા છે. બુલિયનના વેપારીઓ સ્વતંત્રતા માટેના આપણા સંઘર્ષને સીધો ફટકો મારી રહ્યા છે. બુલિયનની હેરફેર કરીને સર પુરુષોત્તમદાસ અને જી.ડી. બિરલાએ લાખોની કમાણી કરી છે.”

ઇન્ડિયા એઝ એન્ડ ઓર્ગનાઈઝેશનઃ વોલ્યુમ વનઃ અ સ્ટ્રેટજિક રિસ્ક એનાલિસસ ઓફ આઈડિયલ્સ, હેરિટેજ એન્ડ વિઝન, નામના દિપક બાસુ અને વિક્ટોરિયા મિરોશિકના પુસ્તકમાં લખ્યું છેઃ

“આઠમી ડિસેમ્બર 1947ના દિલ્હીની બિરલા ટેક્સટાઈલ મિલના કામદારો લિવિંગ બોનસની માગણી સાથે મેનેજર પાસે પહોંચ્યા હતા. ત્યારે તેમને ગોળીબાર કરીને અને રાઈફલના કુંદાથી ફટકારવામાં આવ્યા હતા. તેથી કામદારો ગાંધીજીને મળવા માટે પાંચ જણાનું પ્રતિનિધિ મંડળ બિરલા હાઉસ મોકલ્યું હતું. ગાંધીજીએ તેમને મળવાની ના પાડી દીધી હતી. 1938માં સુભાષ ચંદ્ર બોઝ બંગાળની શણની મિલોમાં કામ કરતાં કામદારોની અમાનવીય હાલત પરત્વે કોગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપતા ગાંધીજીનું ધ્યાન દોર્યું હતું.”

આનંદ શર્માએ એડિટ કરેલા ગાંધીઅન વેઃ પીસ, નોન વાયોલન્સ એન્ડ એમ્પાવરમેન્ટ, સેલિબ્રેટિંગ હન્ડ્રેડ યર્સ ઓફ સત્યાગ્રહ નામના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છેઃ

 “ગ્વાલિયરના રજવાડામાં જી.ડી. બિરલાએ એક મિલની સ્થાપના કરી ત્યારે સરકારે તેમને માટે જમીન હસ્તગત કરી હતી, પરંતુ જે ગરીબોની જમીન આ હેતુ માટે લઈ લેવામાં આવી હતી, તેમને પૂરતું વળતર આપવામાં આવ્યું નહોતું. આ મિલમાં કામ કરતાં કામદારોની કફોડી સ્થિતિ વિશે ગાંધીજીને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે જી.ડી. બિરલાને આ મુદ્દે ખુલાસો કરવા જણાવ્યું હતું. જી.ડી. બિરલાએ સ્થાનિક આંદોલનકારીઓને તકલીફ માટે દોષિત ઠેરવ્યા હતા.”

જી.ડી. બિરલા જેવા ઉદ્યોગપતિએ શા માટે ગાંધીજીને ટેકો આપ્યો તે બાબત સમજવી પણ રસપ્રદ બની રહેશે. જી.ડી. બિરલાએ તેમની પોતાની આત્મકથામાં જ આ અંગે શ્રેષ્ઠ રીતે સમજાવ્યું છે. શેડો ઓફ મહાત્મા – અ પર્સનલ મેમ્વાર નામના પુસ્તકમાં જી.ડી. બિરલાએ સર સેમ્યુઅલને લખેલા પત્રમાં જ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવેલી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છેઃ

“હું હંમેશા ગાંધીજી અને કોંગ્રેસ વચ્ચે તફાવત રાખતો આવ્યો છું. હું તેમના બહુ જ ગમતા સંતાનોમાંનું એક છું. મેં બહુ જ ઉદાર હાથે ખદ્દરના ઉત્પાદનની અને અસ્પૃશ્યતા સામેની લડત માટે ભંડોળ પૂરું પાડ્યું છે. મેં ક્યારેય નાગરિક અસહકારની ચળવળમાં ભાગ લીધો નથી. છતાંય હું સરકારનો આકરો ટીકાકાર રહ્યો છું. તેથી સરકારની ગુડબુકમાં હું ક્યારેય રહ્યો નથી. હું ઇચ્છું છું કે સત્તાવાળાઓને હું ગાંધીજી અને તેમના જેવા માણસો માત્ર ભારતના જ મિત્ર નથી, પરંતુ ગ્રેટ બ્રિટનના પણ મિત્ર તરીકે જોતાં કરી શકું. તેઓ એક માત્ર એવા માનવ છે કે જેઓ  ડાબેરીઓને એકલે હાથે અંકુશમાં રાખવા માટે જવાબદાર છે.”

સર હેન્રી ક્રેઈક સાથેના તેમના ઇન્ટરવ્યુને યાદ કરતાં જી.ડી. બિરલાએ લખ્યું છેઃ

“બંધારણીય સાધનોથી પણ શ્રેષ્ઠ પ્રાપ્ત ન થઈ શકવું જોઈએ તેવી માન્યતા ધરાવનારાઓનો વર્ગ ધીમે ધીમે વધવા માંડ્યો છે... તેઓ ચોક્કસ વર્ગો પરત્વે અને સરકાર પરત્વે તિરસ્કારની ભાવનાઓને ભડકાવવાની વાતો કર્યા કરશે. ભલેને પછી તે કોઈ ભારતીય હોય કે પછી અન્ય કોઈ દેશની વ્યક્તિ હોય. ગાંધીજી આ માનસિકતા સામે જ લડત ચલાવી રહ્યા છે. તેઓ (ગાંધીજી) સ્વરાજ કરતાંય વધુ મહત્વ અહિંસાને આપી રહ્યા છે. પરંતુ ગાંધીજી ક્યાં સુધી જીવશે. ગાંધીજી હયાત હોય ત્યાં સુધીમાં જ આ બાબતે સમાધાન થઈ જાય તે જરૂરી છે. તેમ થશે તો જ કદાચ સરકાર અને લોકો એકબીજાની નજીક આવી શકશે. આ સાથે જ નવા પ્રકારના શિક્ષણનો આરંભ થશે, તેમાં લોકો એમ માનતા થશે કે સરકાર એ તેમની પોતાની જ સંસ્થા છે. તેમાં સુધારો કરી શકાય. તેનો અંત ન લાવી શકાય. શિક્ષણની આ પદ્ધતિમાં તત્કાળ ફેરફાર કરવામાં ન આવ્યો તો ગંભીર નુકસાન થશે. તેમ નહિ થાય તો લોહીયાળ ક્રાન્તિ અનિવાર્ય બની જશે. તેમ થશે તો તે માત્ર ભારત માટે જ નહિ, પરંતુ ઇન્ગ્લેન્ડ માટે પણ મોટામાં મોટી આફત બની જશે. ઇંગ્લેન્ડના રૂઢિચુસ્ત પક્ષના સભ્યો પણ કદાચ એમ કહેતા થઈ જશે કે આ ભારતની અંત્યેષ્ઠી છે. હું કહું છું કે તે ભારત અને ઇંગ્લેન્ડ બંનેની અંત્યેષ્ઠી હશે. તેમણે (ક્રેઈકે) કહ્યું હતું કે, “મને તેમની (ગાંધીજીની) પ્રામાણિકતા માટે જરાય સંદેહ નથી અને હું કબૂલ કરું છું કે તેમણે સામ્યવાદીઓના જુવાળને ઉઠતો અટકાવ્યો છે.”

મહાદેવભાઈ દેસાઈએ લખેલી ડાયરીમાં રજેરજ વાતની નોંધ થયેલી જોવા મળે છે. તેના પરથી એક વાત નિસંદેહ સ્પષ્ટ થઈ જાય છે કે ગાંધીજી અને જી.ડી. બિરલા વચ્ચે ગાઢ સંબંધો હતા.

સમાપન કરતાં એટલું કહીશ કે સાધન શુદ્ધિ ન રાખનારા ઉદ્યોગપતિઓ સાથે પણ ગાંધીજીના સારા સંબંધો હતા. કોંગ્રેસ પક્ષના એક વર્ગ અને ચુનંદા વર્ગના લોકો સાથે નિકટતા વધતા છેવટે કોંગ્રેસની અંદર જ અલગ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીની 1930ના દાયકામાં સ્થાપના થઈ હતી. સમય જતાં ડાબેરીઓ તરફ ઝોક ધરાવતા અને સમાજવાદી અભિગમ તરફ ઝુકાવ ધરાવનારાઓ અલગ પણ થઈ ગયા હતા. ભારતની તવારીખનું આ પાનું બહુ જાણીતું નથી, છતાંય તેનું દસ્તાવેજીકરણ બહુ જ સારી રીતે થયેલું છે.

અહીં એક વાતની નોંધ કરવી મહત્વની છે કે ગાંધીજીને સાથે રાખીને ઉદ્યોગગૃહો સામે દેખાવો કરવામાં આવ્યા તેની સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. આજના સંદર્ભમાં આખી વાત કરવામાં આવે તો થોડા ઉદ્યોગગૃહોના હાથમાં સંપત્તિનું કેન્દ્રિકરણ વધી રહ્યું છે અને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતના મૂળિયા ઊંડા ખૂપ્યા નથી તેવા સંજોગોમાં આ સવાલો વધુ ધારદાર બની રહ્યા છે અને તેની સામેનો વિરોધ પણ બુલંદ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી તરીકે કોર્પોરેટ હાઉસ સાથેની તેમની નિકટતાનો નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલા બચાવને આ સંદર્ભમાં જોવાની જરૂર છે, જ્યારે જી.ડી. બિરલા અને ગાંધીજીની સાદગીનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

(આ આર્ટિક ધ વાયરમાંથી સાભાર લેવાયો છે જેને નંદિની ઓઝા દ્વારા લખાયેલ છે કે જોએ નર્મદા બચાવ આંદોલનના એક ચળવળકાર છે. તેઓ એક સંશોધક અને લેખિકા છે. તેમનું પુસ્તક અંગ્રેજી અને મરાઠી બંને ભાષાઓમાં પ્રકાશિત કરવાં આવેલું છે.)