મેરાન્યૂઝ નેટવર્ક, ભોપાલ: મધ્ય પ્રદેશ એટીએસ દ્વારા ગત 9 ફેબ્રુઆરીના રોજ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં 11 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ શંસ્કાસ્પદોમાં મધ્ય પ્રદેશના ભોપાલનો ભાજપ આઇટી સેલનો એક સભ્ય પણ સામેલ છે. આ લોકો પર આક્ષેપ છે કે તેઓ પાકિસ્તાની જાસૂસી એજંસી આઇએસઆઇને ભારત અને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી આપતા હતા. આરોપીઓમાં સામેલ ભાજપ આઇટી સેલનો સ્થાનિક નેતા ધ્રુવ સક્સેના ફોટો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત રાજ્યના ઘણા મંત્રીઓ સાથે હોવાના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એટીએસ દ્વારા જુદીજુદી ટીમ બનાવી મધ્ય પ્રદેશના ચાર જિલ્લામાંથી 11 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશ એટીએસના પ્રમુખ સંજીવ શામીના જણાવ્યા અનુસાર જમ્મૂના આરએસપુરામાં પોલીસે વર્ષ 2016માં આઇએસઆઇના બે એજંટની ધરપકડ કરી હતી. જેઓ પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓને ભારતની મહત્વપૂર્ણ માહિતીઓ મોકલતા હતા. જેઓની પૂછપરછ કરતા માહિતી મળી હતી કે મધ્ય પ્રદેશના સતનાનો રહેવાસી બલરામ નામનો શખ્સ રૂપિયા લઇને જાસૂસી કરવામાં મદદ કરતો હતો. જ્યાર બાદ એટીએસ દ્વારા બલરામને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ લોકો જોડાયેલા છે તેની પૂછપરછ કરતા જબલપુર, ભોપાલ અને ગ્વાલરથી અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ભોપાલથી ઝડપાયેલ ધ્રુવ સક્સેના કે જે ભોપાલમાં ભાજપ આઇટી સેલનો સંયોજક છે તે ભારતીય આર્મીના લોકેશન્સ અને અધિકારીઓની ગતિવિધિઓની માહિતી એક સમાનાંતર ટેલિફોન એક્સચેંજ બનાવી આઇએસઆઇ સુધી પહોંચાડતો હતો. જેના બદલામાં પાકિસ્તાન તરફથી રૂપિયા આપવામાં આવતા હતા. આ મમાલે અત્યાર સુધી ત્રણ કરોડ રૂપિયાનો હવાલો પાડવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટસમાં બહાર આવ્યુ છે. આ શખ્સો પાસેથી એટીએસ દ્વારા 3 હજાર સિમકાર્ડ, 50 મોબાઇલ ફોન અને 35 સિમ બોક્સ જપ્ત કર્યા છે. આ મામલે દિલ્હીમાં કોચિંગ સેન્ટર ચલવતા ગુલસન સેન નામના એક સોફ્ટવેર એન્જીનિયરની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બે વખત અફઘાનિસ્તાન જઇ આવ્યો છે.  

પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને લશ્કરનાની વિવિધ માહિતી આઇએસઆઇને મોકલનારાના નામ આ પ્રમાણે છે જીતેન્દ્ર ઠાકુર (ભાજપના કોર્પોરેટરના પતિનો ભાઇ),  ધ્રુવ સક્સેના (ભોપાલમાં ભાજપ આઇટી સેલનો સંયોજક), કુશ પંડિત, ત્રિલોકસિંહ ભદૌરિયા, મનીષ ગાંધી, મોહિત અગ્રવાલ, મોહન ભારતી, સંદીપ ગુપ્તા, બલરામ સિંહ,  રિતેશ ખુલ્લર. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએસઆઇ માટે જાસૂસી કરનાર ઉક્તમાંથી એક પણ મુસ્લિમ નથી.