મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  તુલસી પ્રજાપતિને બનાવી એન્કાઉન્ટર કેસમાં ડી. જી. વણઝારાને ફિટ કરવાનો તખ્તો ઘડાઈ ગયો હોવાનું લાગી રહ્યુ છે. મુંબઈ કોર્ટમાં ચાલી રહેલી સીબીઆઈ કોર્ટ સામે જુબાની આપવા આવેલા કચ્છ પોલીસના બે પોલીસવાળા ડી. જી. વણઝારા વિરૂધ્ધ જુબાની આપી હતી. તેમણે કોર્ટને કહ્યુ કે તુલસીની હત્યા કરનાર પોલીસ ઈન્સપેલ્ટર આશિષ પંડ્યા રજા ઉપર હોવાને કારણે ડી. જી. વણઝારાએ જ તેમને આશિષ પંડ્યાના ગામ મોકલ્યા હતા.

2006માં બોર્ડર રેન્જના આર આર સેલમાં ફરજ બજાવતા પોલીસવાળા કાનજી જાડેજા અને મેઘજી મહેશ્વરીએ કોર્ટને કહ્યુ હતું કે તા 25મી ડિસેમ્બર 2006ના રોજ ડી. જી. વણઝારાએ તેમને પોતાની ઓફિસમાં બોલાલી સુચના આપી હતી કે પાલનપુર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટર આશિષ પંડ્યા રજા ઉપર હોવાને કારણે તેમના ગામ મેઘપર જઈ તેમને બોલાવી લાવવામાં આવે, કારણ તેમનો ફોન ઉપર સંપર્ક થઈ રહ્યો નથી.

આથી કાનજી અને મેઘજી મેઘપર ગામ તે જ દિવસે ગયા હતા પરંતુ આશિષ પંડ્યા ઘરે ન્હોતા જેના કારણે તેમના પરિવારને તેઓ ડી. જી. વણઝારાનો સંપર્ક કરવાની સુચના આપી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે 25મી ડિસેમ્બરના રોજ તુલસી પ્રજાપતિને રાજસ્થાનની જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને 27મી ડિસેમ્બરના રોજ છાપડી ગામે આશિષ પંડ્યાએ બનાવટી એન્કાઉન્ટરના નામે તેની હત્યા કરી હતી.

અગાઉ આ કેસમા ગુજરાત સીઆઈડી અને બાદમાં સીબીઆઈને પોતાનું નિવેદન નોંધવાનાર કાનજી જાડેજા અને મેઘજી મહેશ્વરીએ પોતાના નિવેદનને કોર્ટમાં વળગી રહ્યા હતા. આ બંન્ને પોલીસવાળાની જુબાની ડી. જી. વણઝારાની મુશ્કેલી વધારી શકે છે. હાલમાં વણઝારાની ડિસચાર્જ અરજી મુંબઈ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.