મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPLનો મેચ રમાય તેવી શક્યતા વધી છે. કાવેરી જળ વિવાદને લઈને ચેન્નઈમાં રમાનારા તમામ મેચો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ રદ્દ થયેલા મેચ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાડવાની તૈયારી દર્શાવાઇ છે. એટલું જ નહીં આ માટે SCAના સત્તાધીશો દ્વારા ચેન્નઇ સુપરકિંગના ફ્રેન્ચાઇઝીને પત્ર પણ પાઠવી દેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે જામનગર રોડ સ્થિત ખંઢેરી સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રાઉન્ડ હોવા છતાં અહીં IPLનો એકપણ મેચ ફાળવવામાં ન આવતા ક્રિકેટપ્રેમીઓ નિરાશ છે. જેને લઈને SCA દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જો ચેન્નઇ દ્વારા આ પત્રનો હકારાત્મક પ્રત્યુત્તર મળશે તો ફરી એકવાર રાજકોટમાં IPL નો જંગ જામવાના સંજોગો ઉજળા બન્યા છે. આગામી સમયમા અહીં એક ટેસ્ટ મેચ રમાનાર છે. ત્યારે જો IPL પણ મળી જાય તો ક્રિકેટ રસિકોની ખુશી બેવડાઈ જશે તે હકીકત છે.