મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર/રાજકોટઃ આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આજે ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયન જલ્પા કાછીઆએ આજે ગાંધીનગરમાં કેન્દ્ર સરકારના ભારતીય સર્વેક્ષણ વિભાગ માં 'વિશ્વ યોગ દિન 'ની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટમાં મહિલાઓએ સતત બીજા વર્ષે પાણીની અંદર યોગ (એકવાયોગ) કર્યા હતા. શહેરના જુદા-જુદા 5 સ્વિમિંગ પુલમાં મળી કુલ 850 મહિલાઓએ એકવાયોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં 10 વર્ષથી લઈને 60વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો. શહેરના સ્વિમિંગ પુલોમાં મહિલાઓએ કરેલા યોગથી વાતાવરણ યોગમય બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 600 જેટલી મહિલાઓએ એકવાયોગ કર્યા હતા.

ભારતીય સર્વેક્ષણ વિભાગની ગુજરાત, દમણ અને દિવ ભૂ-સ્થાનિક આંકડા કેન્દ્ર ગાંધીનગર કાર્યાલય પરિસર માં '21 જૂન -વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. આ એક દિવસીય યોગ શિબિરમાં ભારત દેશને યોગમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યશ-કીર્તિ અપાવનાર જલ્પા કાછીઆએ પ્રશિક્ષક તરીકે ઉપસ્થિત રહી યોગના વિવિધ આસનો કરાવ્યા હતા. જલ્પા વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે અને યોગને પ્રાધાન્ય આપતા દેશમાં, જલ્પા કાછિયા જેવા ચેમ્પિયન નોકરી ન મળવાથી અને કેરિયરનો સ્કોપ ન હોવાથી ખાનગી યોગ પ્રશિક્ષણ આપે છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા-જુદા 5 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પણ લોકોએ ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા. આ ઉજવણીમાં કુલ 25 હજાર લોકો જોડાયા હતા. શહેરના રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રાજ પેલેસ સામેનું મેદાન, અને રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ તેમજ પારડી રોડ પર કોમ્યુનિટી હોલ પાસે આવેલ મેદાન ખાતે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં યુવાનો-યુવતીઓ, મહિલાઓ, સીનીયર સીટીઝન, તબીબો, ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ યોગ કર્યા હતા.

રાજકોટ પોલીસે પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં 4 હજાર કરતા વધુ પોલીસ જવાનો જોડાયા હતા. આ તકે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રાચીન વિદ્યા અને ઋષિમુનીઓએ આપેલું વરદાન છે. આપણી વારસાગત સંપતીની રક્ષા કરવી એ આપણી ફરજ છે. ત્યારે આજના દિવસને ધ્યાનમાં રાખીને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવણી કરવામાં આવે છે. 

આજકાલ કુદકે ને ભુસકે યોગના કલાસીસો અને શિબિરો ખુલતા જોઇને આપણને એમ લાગે કે લોકોને યોગની પ્રગતિ થઇ રહી છે પરંતુ આ એક ક્ષણિક માન્યતા છે. સાચા અર્થમાં યોગનો અર્થ બહુ જ ઓછા લોકો જાણે છે. યોગનો અર્થ જાણ્યા અને સમજ્યા વગર યોગ અભ્યાસ કરવો એ ખોટું છે. યોગ વિશેની સાચી માહિતી અને જ્ઞાન હોવુંએ ખૂબ જ જરૂરી છે.