મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ હાલમાં જ વિધાનસભાની ચૂંટણીના બંને જ તબક્કાઓનું મતદાન પુર્ણ થયું છે પણ ચૂંટણી સુંધી અંદર દબાવી રાખેલી વાતો હવે જાણે કે બહાર આવી રહી છે તેવું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના એક સમયના સાથીઓએ ક્યાંક તેની સાથે છેડો ફાડ્યો તો ક્યાંક તેઓ ભાજપમાં ભળી ગયા.

આ નેતાઓ પૈકીના એક વરુણ પટેલને હાલમાં જ ચૂંટણી પહેલા પહેલા ભાજપના હાઈ કમાન્ડ દ્વારા મહત્વની જવાબદારીઓ સોંપાઈ હતી. જેને લઈને ભાજપમાં આંતરિક નારાજગી હતી પણ જાણે તે બહાર આવી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. હાલમાં જ ભાજપના મોટા નેતાઓ સાથે સંપર્ક ધરાવતા કેટલાક યુવાનોએ સોશ્યલ મીડિયામાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે. તેમની પોસ્ટમાં લખાયું છે કે, ભાજપને બચાવવી હોય તો વરુણ પટેલને વહેલી તકે કાઢવાની વાત મુકી છે. એક પોસ્ટમાં તો ત્યાં સુધી કે આ તો ચૂંટણી હતી એટલે બોલ્યા નહીં વરુણને હટાવો ભાજપ બચાવો... વળી એક પોસ્ટમાં તો રિતસરની ચિમકી અપાઈ હતી કે વરુણ પટેલને નહીં હટાવાય તો કમલમ ખાતે પ્રદર્શન કરાશે અને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તેઓ કામ કરશે.