પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  વર્ષ 2005માં રાજસ્થાન અને ગુજરાત પોલીસ દ્વારા ઠાર મારવામાં આવેલા ગેંગસ્ટર  સોહરાબુદ્દીન  શેખ અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિ  હત્યાનો કેસ હાલમાં મુંબઈ સીબીઆઈ કોર્ટ સામે ચાલી રહ્યો છે. કેસની સૌથી પ્રથમ તપાસ શરૂ કરનાર નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ. સોલંકી મુંબઈ કોર્ટમાં તારીખ ૧૭મી ઓક્ટોબરના રોજ જુબાની આપી હતી. જોકે મુંબઇ જતા પહેલા તેમણે ગુજરાત પોલીસ અને સીબીઆઈ કોર્ટ સામે શંકા વ્યક્ત કરી હતી. પરંતુ જુબાની આપવા આવેલા નિવૃત્ત ઇન્સ્પેક્ટર વી. એલ. સોલંકી પોતાના જ વ્યવહારને કારણે  શંકાના દાયરામાં આવી ગયા છે.

 વર્ષ 2006માં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ કેસની પ્રાથમિક તપાસ કરનાર અને ત્યારબાદ આ કેસની તપાસ  સંભાળનાર ગુજરાત સીઆઇડી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર  વી. એલ. સોલંકી વર્ષ 2010માં આજ કેસમાં  સીબીઆઈના સાક્ષી બન્યા હતા. સીબીઆઇના સાક્ષી તરીકે સોલંકી ચાર વખત   સીબીઆઈ  સામે  નિવેદન નોંધાવ્યું હતું. આ પ્રકરણમાં ઇન્સ્પેક્ટર સોલંકીની ભૂમિકા મહત્વની હોવાને કારણે તેમને 2009થી પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું હતું જે તાજેતરમાં થોડા મહિના પહેલા હટાવી લેવામાં  આવ્યું હતું. જેને કારણે વી એલ સોલંકીએ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ઉપર આરોપ મૂક્યો હતો કે મુંબઈ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ જુબાની આપવા જાય નહીં તે માટે તેમનું પોલીસ રક્ષણ હટાવી લેવામાં આવ્યું છે. તેમણે  પોતાના અને પરિવારની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મુંબઈ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા પપેટ શો હોવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જો તેમને સુરક્ષા હેઠળ મુંબઈ કોર્ટ સુધી જવાની વ્યવસ્થા કરવામાં આવે તો સીબીઆઈ સામે નિવેદન નોંધાવ્યું છે તેને તેઓ વળગી રહેશે.

પરંતુ 17 ઓક્ટોબરના રોજ પોલીસ રક્ષણ સાથે મુંબઈ કોર્ટમાં પહોંચેલા નિવૃત્ત ઇન્સ્પેક્ટર સોલંકી સીબીઆઈ સામે આપેલા નિવેદનને આધાર બનાવી જુબાની આપવાને બદલે આ કેસના આરોપી કોન્સ્ટેબલ અજય પરમાર દ્વારા આપવામાં આવેલી માહિતીને તેમણે કોર્ટ સામે રજૂ કરી હતી. કાયદાવિદોના મત અનુસાર અજય પરમાર કેસના આરોપી હોવાને તેના નિવેદનનું અથવા પુરાવાનું મહત્વ નથી. અગાઉ સીબીઆઈ સામે સોલંકીએ આપેલા નિવેદનને કારણે ગુજરાતના અનેક આઇપીએસ અધિકારીઓ આરોપી બન્યા હતા તેમણે સીબીઆઇને રાજકીય દબાણની વાત પણ કરી હતી.

જોકે સોલંકીએ પોતાની જુબાની દરમિયાન પોતાના નિવેદનનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં. બીજી તરફ આ કેસમાં આરોપીઓને સજા અપાવવાની જેની જવાબદારી છે તેવા સીબીઆઈના વકીલે પણ સોલંકીને તેમના અગાઉના નિવેદન બતાડો, તેમની જુબાની  લેવાનો પ્રયત્ન કર્યો નહિ. સોલંકીએ જુબાનીમાં કોટને જે કંઈ બાબતો જણાવી તે બધી જ બાબતોનો આધાર અજય પરમારનું નિવેદન હતું. પરંતુ તપાસ અમલદાર તરીકે  સોલંકીએ  સીબીઆઈ સામે આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો જ નહીં.

સોલંકીને આરોપીના વકીલ દ્વારા ઉલટ  તપાસમાં પૂછવામાં આવ્યું કે તમે સીબીઆઈ સામે કોઈ નિવેદન નોંધાવ્યું છે કે નહીં? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મને યાદ નથી. ખરેખર ચાર ચાર વખત સીબીઆઈ સામે નિવેદન નોંધાવ્યુ હોવા છતાં કોર્ટમાં તેમણે યાદ નથી તે પ્રકારનો ઉત્તર આપ્યો હતો.

જ્યારે વી. એલ. સોલંકીએ પોતાની જુબાની દરમિયાન તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો ત્યારે કોર્ટે પ્રજાપતિના મામલે કોઈ નિવેદન નહીં કરવા સોલંકીને જણાવ્યું હતું. આમ  મુંબઇ કોર્ટ, સીબીઆઈ અને  સોલંકી વચ્ચે મેચ ફિક્સ થયું હોવાનું ત્યાં હાજર લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. જોકે કોર્ટ કાર્યવાહી દરમિયાન સીબીઆઇના અધિકારીઓએ તેમને જમવાનું આમંત્રણ આપ્યું ત્યારે સોલંકીએ હું સીબીઆઈ નફરત કરું છું તેવું નિવેદન કરી કોર્ટમાં હાજર લોકોને તેઓ સીબીઆઈથી અલગ છે તેઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આખા પ્રકરણમાં  ગરજેલા વાદળ વરસે નહીં તેવો ઘાટ સર્જાયો હતો. સુત્રોની જાણકારી અનુસાર મુંબઈ કોટમાં જુબાની આપવા જતાં પહેલાં સોલંકી આ કેસના આરોપી એવા કેટલાક સીનિયર પોલીસ અધિકારીઓના સંપર્કમાં હતા. આમ આ કેસમાં મહત્વના સાક્ષી ઇન્સ્પેક્ટર  વી એલ સોલંકી પણ પોતાના નિવેદન ઉપર કાયમ રહ્યા નહીં આ અગાઉ 55 કરતા વધુ સાક્ષીઓ  આ કેસમાં કોર્ટમાં ફરી ગયા છે.