મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  ડોલર સામે ભારતીય રૂપિયો ગગડવાનું સતત ચાલુ રહેતા આજે ૩૭ પૈસાનો મોટો અને ઝડપી ઘટાડો નોધાયો હતો. જેના કારણે ડોલરની સામે રૂપિયો ૭૨.૧૨ પૈસાની ઐતિહાસિક નીચી સપાટીએ પહોચી ગયો છે. રૂપિયો ગગડતા પેટ્રોલ-ડિઝલનો ભાવ તો વધશે જ સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ અને ભાવ વધારા સાથે મોંઘવારી વધશે.

વૈશ્વિક મુદ્રાઓની સરખામણીમાં ડોલરમાં આજે તેજી અકબંધ રહી હતી. જેના કારણે ભારતીય મૂડી બજારમાં વિદેશી નિકાસ અંગે ભારે ચિંતા જોવા મળી હતી. વિદેશી વિનિમય બજારમાં આજે શરૂઆતમાં રૂપિયો ૯ પૈસાની મજબુતી સાથે ૭૧.૬૬ પ્રતિ ડોલર રહ્યો હતો. ડીલરોના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં નિકાસકારો અને બેન્કોએ ડોલરનું વેચાણ વધારે રાખ્યું હતું. જયારે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવોમાં નરમાઈના કારણે રૂપિયો સુધરશે તેવી ધારણા બંધાઈ હતી. જો કે બુધવારે જ રૂપિયો ૧૭ પૈસા ગગડીને ૭૧.૭૫ પૈસા પ્રતિ ડોલર પહોચ્યો હતો. 

રૂપિયો ગબડતા અનેક ચીજવસ્તુઓ મોંઘી થશે. જેમાં વિદેશોથી આવતો સામાન મોંઘો અને  વિદેશમાં ભણવું મોંઘુ થવા સાથે શરાબની કિંમતમાં વધારો થશે, આ ઉપરાંત દવા મોંઘી થશે અને પેટ્રોલ-ડિઝલનો ભાવ વધશે. જયારે પેટ્રોલ-ડિઝલ સિવાય કાચુ તેલ, મશીનરી, ખાદ્ય પદાર્થ, ચોકલેટના ભાવમાં વધારો થશે. જેને વિદેશથી મંગાવીશુ તે તમામ સામાન મોંઘો થશે. રૂપિયો સતત ગગડતા મધ્યમ વર્ગ પર તેની ખુબજ માઠી અસર પડશે. જેમના સંતાનો વિદેશમાં ભણી રહ્યા છે તેમને ૪-૫ લાખ રૂપિયા વધારાના ચુકવવા પડશે. જયારે રૂપિયો ઘટતા વિદેશી ટૂરિસ્ટો ભારતમાં આવવાનું વધવા સાથે ભારતથી વિદેશ ફરવા જતા લોકોની સંખ્યા ઘટી છે. ડૉલર સામે રૂપિયો ગગડતા વિદેશોમાં એકસપોર્ટ કરતા લોકોને મોટો ફાયદો થયો છે. આ ઉપરાંત ડૉલર સામે રૂપિયો ગગડતા આઈટી અને ઓટોમોબાઇલ સેક્ટરને ફાયદો થશે.