મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ નોટિંઘમ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ૨૦૩ રને હરાવી ૧૧ વર્ષ પછી વિજય મેળવ્યો છે. આજે ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં ૧૦૪ ઓવરમાં ૩૧૭ રનમાં ઓલઆઉટ થઇ જતા આ શ્રેણીમાં ૨-૧થી વિજય મેળવી શ્રેણીને જીવંત કરી દીધી છે. ભારતે ૧૯૮૬ પછી એટલે કે, ૩૨ વર્ષે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રનના માર્જીનથી ભવ્ય વિજય મેળવ્યો છે. કે એલ રાહુલે આ મેચમાં 7 કેચ પકડી પાડી ભારત તરફથી નવો રેકોર્ડ બનાવ્યો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે બે મેચના પરાજય પછી વાપસી કરી શ્રેણીને જીવંત રાખી છે. ભારતે ટેન્ટ બ્રીજ ખાતે રમાયેલી આ ત્રીજી ટેસ્ટ મેચના આજે પાંચમાં દિવસે માત્ર બે ઓવરમાં જ બાકી એક વિકેટ ઝડપી લઇ ઇંગ્લેન્ડને ૩૧૭ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઈંગ્લેન્ડના પ્રવાસમાં પ્રથમ બે ટેસ્ટ મેચમાં પરાજય બાદ ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી.

જેમાં ભારતે વિરાટ કોહલીના ૯૭ રનની ઇનિંગ્સથી ૯૪.૫ ઓવરમાં ૩૨૯ રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ભારતીય ફાસ્ટ બોલરો સામે ધરાશાયી થઇ જતા માત્ર ૧૬૧માં તંબુ ભેગી થઇ ગઈ હતી. હાર્દિક પંડયાએ પ્રથમવાર પાંચ વિકેટ લઇ ભારતને જંગી સરસાઈ અપાવી હતી. ભારતે ૧૭૮ રનની સરસાઈ સાથે બીજી ઇનીગ્સમાં ૧૧૦ ઓવરમાં ૭ વિકેટે ૩૫૨ રન બનાવી દાવ ડીકલેર કર્યો હતો. જેમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા ૨૩મી ટેસ્ટ સદી ફટકારવા સાથે ચેતેશ્વર પુજારાએ ૭૨ રનનું યોગદાન આપ્યું હતું.  

ઇંગ્લેન્ડની ટીમે ૫૨૧ રનના વિજયી લક્ષ્યાંક સામે નબળી શરૂઆત કરી હતી, પરંતુ બટલરે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારવા સાથે સ્ટોક્સના ૬૨ રનના કારણે લડત આપી હતી. પરંતુ બુમરાહે ત્રાટકી ૫ વિકેટ ઝડપાતા ઇંગ્લેન્ડની ટીમ આજે ૩૧૭માં આઉટ થઇ ગઈ હતી. રશીદ ૩૩ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તો એન્ડરસનને કુંબલેએ કેચ આઉટ કરાવ્યો હતો.

આ મેચમાં હાર્દિક અને બુમરાહે ૫-૫ વિકેટ લઇ ભારત માટે ત્રીજી વખત આવી સિદ્ધિ મેળવી છે. જ્યારે ભારતે આ મેચ જીતી નોટિંઘમમાં ૧૧ વર્ષ પછી વિજય મેળવ્યો છે. આ પહેલા ૨૦૦૭માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં ૭ વિકેટથી વિજય મેળવ્યો હતો. જ્યારે ૨૦૧૧માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં પરાજય થયો હતો. છેલ્લે ૨૦૧૪માં એમ.એસ.ધોનીની કેપ્ટનશીપમાં ભારત મેચ ડ્રો કાઢવામાં સફળ રહ્યું હતું.