મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ આગામી મહિનામાં વેસ્ટઇન્ડીઝની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે બે ટેસ્ટ મેચ, 5 વન ડે અને 3 ટી-20 મેચનું આયોજન કરાયું છે. જેમાં આગામી તારીખ 4 થી 8 ઓક્ટોબર દરમિયાન રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાનાર છે. આ ટેસ્ટ મેચને લઇને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના જામનગર રોડ પર આવેલું ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડીયમ છે. અગાઉ પણ આ સ્ટેડીયમમાં ઇન્ટરનેશનલ વન-ડે તેમજ ટી-20 મેચો રમાઈ ચુક્યા છે. જો કે અગાઉ SCA ની ટેસ્ટ મેચની માંગ BCCI દ્વારા સ્વીકારવામાં આવી નહોતી. પરંતુ વેસ્ટઇન્ડીઝના આ પ્રવાસમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ને  એક ટેસ્ટ મેચ ફાળવવામાં આવ્યો છે. જેને પગલે રાજકોટ સહિત ખંઢેરી સ્ટેડીયમનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું છે.