મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ અમેરિકા સાથે સર્જાયેલી ટ્રેડ વોરની સ્થિતિ વચ્ચે ભારતે સંબંધો સુધારવાની આશાથી અમેરિકા પાસેથી લગભગ એક હજાર નાગરિક વિમાન ખરીદવાનો પ્રસ્તાવ કર્યો છે. ભારતે આગામી ૭-૮ વર્ષ દરમિયાન આ વિમાનો ખરીદવાની યોજના બનાવી છે. આ સિવાય અમેરિકા પાસેથી તેલ અને ગેસ ખરીદવામાં પણ વધારો કરવાની વાત ચાલી રહી છે. ગયા અઠવાડિયે ભારતના વાણીજય મંત્રી સુરેશ પ્રભુએ અમેરિકી સમકક્ષ સાથેની એક મીટીંગમાં આ વાત કહી હતી.

અમેરિકાના દક્ષિણ તેમજ એશિયાની બાબતોના વેપારી પ્રતિનિધિ માર્ક લીસ્કોટ ભારતના વેપાર મંત્રાલયના અધિકારીઓ સાથે બંને દેશો વચ્ચે વ્યાપાર ક્ષેત્રે ઉભી થયેલી સમસ્યાઓ અંગે વાતચીત કરશે. ભારત તરફથી અમેરિકાથી આયાત થનારી ૨૯ ચીજવસ્તુ ઉપર ઈમ્પોર્ટ ડયુટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમછતાં ભારત તે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, ભારત તરફથી જવાબમાં લગાવવામાં આવેલા ટેક્સ ડબ્લ્યુટીઓ તરફથી તેમને મળેલા અધિકારનો આ પ્રયોગ છે.

આ ટ્રેડ વોરની શરૂઆત અમેરિકાએ જ ભારતથી આયાત થનારા સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપર ટેક્સ વધારીને કરી છે. જેમાં ભારત તરફથી અમેરિકા સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી રહી છે કે, અમેરિકા તરફથી ટેક્સ વધારવામાં આવતા ભારત તરફથી જવાબમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભારત ધ્વારા વધારવામાં આવેલા આ ટેક્સના નવા દરનો અમલ આગામી ૪ ઓગષ્ટથી કરવામાં આવશે.ત્યાં સુધી ભારતે અમેરિકાને જાણે એકબીજાથી સમજુતી કરવાનો આ સમય આપ્યો છે. એટલું જ નહિ ૬ જુલાઈના રોજ વોશિગ્ટનમાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારામન ધ્વારા તેમના સમકક્ષ અમેરિકી મંત્રીઓ સાથે મુલાકાત થશે. તેમાં પણ ભારત અને અમેરિકા વચ્ચે વેપારી બાબતોને લઈને ઉભા થયેલા વિવાદ અંગે ચર્ચા કરી દરેક સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રયાસ કરવામાં આવશે.