મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: લોકસભાની આગામી ચૂંટણી પહેલા જો ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદના મુદ્દા પર જોર આપશે તો દેશભરમાં સાંપ્રદાયિક હિંસા થવાનો ભય છે. આ ભારતના કોઈ રાજકીય પક્ષનું મંતવ્ય કે નેતાનું નિવેદન નથી. પરંતુ અમેરિકન સેનેટ સામે રજુ કરાયેલા ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલીજન્સ ડેન કોટ્સે અહેવાલનું મૂલ્યાંકન છે.

અમેરિકામાં દર વર્ષે તમામ ઈન્ટેલીજન્સ એજન્સીઓ એક રીપોર્ટ રજુ કરે છે. તેમાં દુનિયાભરની ઘટનાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ રીપોર્ટમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ હિન્દુ રાષ્ટ્રવાદી મુદ્દા પર આગળ વધશે તો ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસાની સંભાવના વધી શકે છે. રજુ થયેલા આ રીપોર્ટ અંગે ડેન કોટ્સે લેખિતમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક તણાવ વધ્યો છે.

આ રીપોર્ટ પ્રમાણે ભારતના કેટલાક રાજ્યોમાં હિન્દુવાદી નેતાઓ તેને હિંદુ રાષ્ટ્રવાદનો સંકેત આપી સમર્થકોમાં ઉર્જા ભરી રહ્યા છે. જે ચૂંટણી પહેલા ઇસ્લામિક ટેરરિસ્ટ સંગઠનોને ઉત્તેજિત કરી શકે છે. આ રીપોર્ટના દાવા પ્રમાણે લોકસભાની ચૂંટણી પહેલા ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ તણાવપૂર્ણ બની શકે છે. જેમાં ક્રોસ બોર્ડરના બનાવોથી તેમાં વધારો થવાની શક્યતા છે. આ સંજોગોમાં લોકસભાની ચૂંટણી પહેલા સાંપ્રદાયિક તણાવથી હિંસાના બનાવો બની શકે તેમ છે.