મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પુલવામા ખાતે 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના જવાનો પર ઘાતક હુમલો થયો જેણે દેશને હચમચાવી મુક્યો છે. હુમલાના પછી શુક્રવારે મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો પાછો ખેંચ્યા પછી શનિવારે ભારતે વધુ એક ઝટકો પાકિસ્તાનને આપ્યો છે. પાકિસ્તાન ખાતેથી ભારતમાં આયાત થતી વસ્તુઓ પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં બસો ટકા સુધીનો વધારો ઝીંકીને ભારતે પોતાની કડક કાર્યવાહીનો પરચો બતાવ્યો છે. આ અંગેની જાહેરાત કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા કરવામાં આવી હતી.

આ નિર્ણયને કારણે પાકિસ્તાન દ્વારા ભારતમાં નિકાસ કરાતી 3465 કરોડ રૂપિયાની ચીજવસ્તુના વેપારને અસર થશે. ભારત પાકિસ્તાનને વિવિધ 137 ચીજવસ્તુની નિકાસ કરે છે. તો પાકિસ્તાન ખાતેથી 264 જેટલી ચીજવસ્તુની આયાત કરવામાં આવે છે. MFNનો દરજ્જો પાછો ખેંચી લેતા પાકિસ્તાન ભારત વિરુદ્ધ ડબલ્યુટીઓમાં ફરિયાદ કરી શકે તેમ મનાય છે. 1996માં ભારતે પાકિસ્તાનને આ દરજ્જો આપ્યો હતો.

2017-18માં ભારતે પાકિસ્તાન ખાતેથી 3465 કરોડ રૂપિયાની ચીજવસ્તુની આયાત કરી હતી જ્યારે 13632 કરોડ રૂપિયાની ચીજવસ્તુની નિકાસ કરી હતી. 2016-17માં બંને દેશ વચ્ચે 16117 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. જ્યારે 2017-18માં 17000 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.

જામફળ, અનાનસ, કોટન ફેબ્રિક, હાઈડ્રોકાર્બન, પેટ્રોલિયમ ગેસ, પોર્ટલેન્ડ સિમેન્ટ, કોપર વેસ્ટ, કોટન યાર્ન જેવી વસ્તુઓ ભારત પાકિસ્તાનથી આયાત કરે છે. જ્યારે ટામેટા, કોબીજ, ખાંડ, ચા, ઓઈલ કેક, પેટ્રોલિયમ ઓઈલ, કોટન, ટાયર, રબર, પ્લાસ્ટિક, ઓર્ગેનિક કેમિકલ જેવી વસ્તુઓની ભારત પાકિસ્તાનમાં નિકાસ કરે છે.