મેરાન્યૂઝ નેટવર્ક, માઉન્ટ મૌંગાનુઇ (ન્યૂઝીલેન્ડ): અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી ભારત ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ મેચમાં ભારત તરફથી મનજોત કાલરાએ અણનમ 101 રન તથા ગુજરાતના ભાવનગરના હાર્વિક દેસાઇએ અણનમ 47 રન ફટકાર્યા હતાં. હાર્વિને ભારતની અંડર 19ની વર્લ્ડ કપની ટીમમાં વિકેટકિપર પણ છે.

અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 216 રન ફટકાર્યા હતાં. જેના જવાબમાં ભારતીય ટીમના મનજોત કાલરાએ અણનમ 101, હાર્વિક દેસાઇએ અણનમ 47 તથા શુભમન ગિલે 31 અને ટીમના કેપ્ટન પૃથ્વી શૉ એ 39 રન બનાવ્યા હતાં. ભારતની ટીમે 217 રનનો લક્ષ્યાંક માત્ર 38.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. મનજોત કાલરાને પ્લેયર ઓફ ધ મેચ તથા સુભમન ગિલને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો. ભારત ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને ધ વૉલ ના નામે જાણીતા રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ અંડર 19 ટીમ આ સિદ્ધી હાંસલ કરી શકી છે. ગુજરાતના હાર્વિક દેસાઇના શાનદાર પ્રદર્શનને કારણે ભાવનગરમાં તેના પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી સાથે સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના વિવિધ શહેરોમાં આ જીતની ઉજવણી કરવામાં આવી છે.

આ જીત બાદ બીસીસીઆઇ દ્વારા જાહેરાત કરાઇ છે કે અંડર 19 ટીમના તમામ ખેલાડીઓને 20 લાખ રૂપિયા અને કોચ રાહુલ દ્રવિડને 40 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે.