મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગરઃ ૨૧મી કોમનવેલ્થ ગેમ્સના આજે ૧૦માં દિવસે ભારતે ૮ ગોલ્ડ તેમજ ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ સાથે કુલ ૧૪ મેડલ જીતી સોનેરી પ્રદર્શન કર્યું હતું. જેમાં બોક્સિંગમાં એમ.સી.મેરીકોમ, વિકાસ કૃષ્ણ અને ગૌરવ સોલંકી, શુટીંગમાં સંજીવ રાજપૂત, ભાલા ફેંકમાં નીરજ ચોપડા, વિનશ ફોગટ અને સુમિતે કુસ્તીમાં તેમજ ટેબલ ટેનીસ સિંગલમાં મણિકા બત્રાએ ગોલ્ડ મેડલ જીતી એક જ દિવસમાં ૭ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યા હતા.પરંતુ ભારતીય મહિલા અને પુરુષ હોકી ટીમનો ઇંગ્લેન્ડ પરાજય થતા બ્રોન્ઝ મેડલ મેળવવામાં પણ નિરાશા સાંપડી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં આજનો દિવસ ભારત માટે સોનેરી રહેતા ૮ ગોલ્ડ જીતવા સાથે કુલ ૧૪ મેડલ જીતી ટોટલ ૫૫ મેડલ જીતી લીધા છે. જેમાં ટેબલ ટેનિસ સિંગલમાં ભારતની મણીકા બત્રાએ મેન્ગ્યું યુને હરાવી આજે ભારત માટે ૭મો તેમજ ટોટલ ૨૪મો ગોલ્ડ અપાવ્યો હતો. બોક્સિંગમાં ૪૫-૪૮ કિલો શ્રેણીમાં પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન અને ઓલમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર ૩૫ વર્ષીય મેરીકોમે નોર્ધન આર્યલેન્ડની ક્રિસ્ટીના ઓહારાને હરાવી કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર જ અને કદાચ છેલ્લીવાર ભાગ લેતા ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ શ્રેણીમાં ગોલ્ડ જીતનાર તે પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. આ ઉપરાંત ગૌરવ સોલંકી એ ૫૨ કિલો કેટેગરીમાં નોર્ધન આર્યલેન્ડના બ્રેન્ડન ઈરવીનને ૪-૧થી હરાવી ગોલ્ડ જીત્યો હતો. જ્યારે બોક્સિંગમાં જ વિકાસ કૃષણએ ૭૫ કિલોગ્રામ કેટેગરીમાં ગોલાદ જીતી ભારતને આજે ૮મો અને કુલ ૨૫મો ગોલ્ડ અપાવ્યો હતો.

ભારતીય ટીમના સુમિતે કુસ્તીમાં (૧૨૫ કિલોગ્રામ)માં ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં વોકઓવર મળતા ગોલ્ડ જીત્યો હતો. જ્યારે વિનશ ફોગટે મહિલાઓના ગ્રુપમાં ૫૦ કિલો ફ્રી સ્ટાઇલ મુકાબલામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. શુટીંગમાં સંજીવ રાજપૂતે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં ગોલ્ડ જીત્યો હતો. સંજીવ રાજપૂતે ૪૫૪.૫નો સ્કોર કરી ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. બોક્સિંગમાં અમિત પંધાલ (૪૯ કિલો) તેમજ મનીષ કૌશિક (૬૦ કિલો)ને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. જુનિયર વિશ્વ ચેમ્પિયન ૨૦ વર્ષીય નીરજ ચોપડાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૮૬.૪૭ મીટરનો થ્રો ફેક્યો હતો. સ્ક્વોશમાં દીપિકા પલ્લીકાલ અને સૌરવ ઘોષાલની જોડી એ મિક્ષડ ડબલ્સમાં ઓસ્ટ્રેલીયા સામે ફાઈનલમાં પરાજય થતા સિલ્વર મેડલ જીત્યો હતો. ટેબલ ટેનિસમાં ભારતના હરમીત દેસાઈ અને સુનીલ શંકર શેટ્ટીની જોડી એ પુરુષ ડબલ્સમાં સિંગાપુર સામે સેમી ફાઈનલમાં જીતી જઈને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

બેડમિન્ટનમાં ભારતના અશ્વિની પોન્પ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડી એક કલાક અને આઠ મિનિટ ચાલેલી સેમી ફાઈનલ મેચમાં મલેશિયા સામે હારી જતા તે હવે બ્રોન્ઝ માટે રમશે.જયારે હોકીમાં ભારતીય પુરુષ ટીમ સેમી ફાઈનલમાં પણ ઇંગ્લેન્ડ સામે ૨-૧થી હારી જતા બ્રોન્ઝ પણ મળ્યો નહીં. એજ રીતે અગાઉ ગ્રુપ મેચમાં ઇંગ્લેન્ડ સામે ૨-૦થી જીતનાર ભારતીય ટીમ મહિલા હોકીમાં ઇંગ્લેન્ડ સામે ૬-૦થી હારી જતા નિરાશા સાંપડી હતી. છેલ્લે મહિલા હોકી ટીમે ૨૦૦૬માં મેડલ જીત્યો હતો.