મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર/ભોપાલ: આવકવેરા વિભાગ દ્વારા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના સહયોગીઓ અને નજીકના અધિકારીઓના જુદાજુદા 50 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવક વેરા વિભાગે ઇન્દોર, ભોપાલ, ગોવા અને દિલ્હીમાં આ કાર્યવાહી કરી છે. જેમાં લગભગ 300 જેટલા અધિકારીઓ જોડાયા છે. જે લોકોના પરિસરો પર દરોડાની કાર્યવાહી કરાઇ છે જેમાં કમલનાથના પૂર્વ ઓએસડી (ઓફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી) પ્રવીણ કક્કડ, પૂર્વ સલાહકાર રાજેન્દ્ર મિગલાની, તેમના સાળાની કંપનીઓના કેટલાક અધિકારીઓ અને ભાણેજ રતુલ પુરીની કંપની પર સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુખ્યમંત્રી કમલનાથે આ દરોડા વિશે કોઈપણ નિવેદન આપવાથી ઇન્કાર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારની કાર્યવાહી કરવા પાછળ કોંગ્રેસના નેતાઓના ફાઇનાન્સિયલ મેનેજમેન્ટને નબળું પાડવાનો હેતુ કોઈ શકે. આ કાર્યવાહીને કારણે દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વિટ કરીને કહ્યું કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવના ઘરે આવકવેરાના દરોડામાં કરોડો રૂપિયાની કાળી કમાણી જપ્ત કરવામાં આવી છે. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે જે ચોર છે તેને ચોકીદાર સામે વાંધો છે.