મેરાન્યૂઝ નેટવર્ક. અમદાવાદ: આમ તો એરકંડીશન અને ફ્રિજ જેવા ઉપકરણો બગડી જવા બહુ સામાન્ય વાત છે, પરંતુ અમદાવાદના પાલડી અને વાસણા વિસ્તાર સહિત તેની આસપાસના વિસ્તારમાં એસી અને ફ્રિજ બગડવાની સમસ્યા બીજા વિસ્તાર કરતા વિશેષ છે. આ વિસ્તારમાં એસી અને ફ્રિજ ખરીદતા ગ્રાહકોને દુકાનદાર સામેથી જ કહે છે કે તમારા એસી અને ફ્રિજ બગડી જાય તો અમારી સાથે તકરાર કરશો નહીં.

પાલડી, વાસણા, શાહઆલમ અને નારોલ વિસ્તારમાં બગડી જતા એસી અને ફ્રિજની એક સરખી જ સમસ્યા છે જેમાં તેની કોપર અને એલ્યુમિનીયમ પાઈપમાં કાણા પડી જાય છે અને તેમાંથી ગેસ લીક થઈ જાય છે. આ ચોક્કસ વિસ્તારમાં જ આવુ કેમ બને છે તેની તપાસ વિવિધ બ્રાન્ડની કંપનીના એન્જીનિયર્સ દ્વારા કરવામાં આવી ત્યારે  જે કારણ મળ્યા તે બહુ ચૌંકવનારા છે. આ વિસ્તારમાં એસી અને ફ્રિજ બગડી જવા પાછળ આ વિસ્તારનું પ્રદુષણ કારણભુત હોવાની હકિકત સામે આવી છે.

નારોલમાં દસ માળ કરતા ઊંચી અમદાવાદ કોર્પોરેશનની ડમ્પીંગ સાઈટ આવેલી છે જેની ઉપર રોજ અમદાવાદથી નિકળતો હજારો ટન કચરો ઠલવાયા કરે છે. જ્યારે બીજી તરફ વાસણા બેરેજના દરવાજા બંધ હોય છે ખરેખર તેમાં ચોમાસા દરમિયાન અમદાવાદથી આવતા વરસદી પાણીનો સંગ્રહ કરવાનો છે, પણ સાબરમતી નદી સાથે અનેક ગેરકાયદે ગટરના જોડાણો છે, જેમાં કેમિકલનું પાણી પણ વિપુલ માત્રા આવે છે. આમ ડમ્પીંગ સાઈટ અને વાસણા બેરેજના પ્રદુષણને કારણે હવામાં બારીક રજકણો ઉડે છે જે એસી અને ફ્રિજમાં દાખલ થાય છે અને સતત જ્યાં પ્રદુષણ યુકત કેમિકલના રજકણો એકત્રીત થાય છે ત્યાં પાઈપમાં પંચર થાય છે અને ત્યાંથી ગેસ લીક થઈ જાય છે.

આ તમામ વિસ્તારમાં આ સમસ્યા તમામના એસી ફ્રિજમાં થાય છે તેના કારણે દુકાનદાર પોતે ગ્રાહકને આ સમસ્યા કહીને એસી-ફ્રિજ વેચે છે કારણ આ ફરિયાદ વોરંટીમાં સમાવીષ્ટ નથી જેના કારણે એસી ફ્રિજ વોરંટીમાં બગડે ત્યારે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે તકરાર થાય છે તેના કારણે દુકાનદાર આવી તકલીફ થશે તેવું કહીને જ માલ વેચે છે. જો એસી અને ફ્રિજને આ પ્રદુષણ આટલુ નુકશાન કરે છે તો અમદાવાદમાં રહેતા માણસોની સ્થિતિ શું થતી હશે તેની કલ્પના જ કરવી રહી.