પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): અમદાવાદના એસપી રીંગ રોડ ઉપર જેને પાક્કી હોટલ કહી શકાય તેવી જય દ્વારકાધીશ કાઠીયાવાડી હોટલ ચલાવતા તરૂણસિંહ ઝાલા માટે પોલિસ સાથે સંબંધ રાખવો જરૂરી હતો. કારણ પોલિસની નારાજગી કોઈને પણ હોટલના ધંધાવાળાને અને રસ્તા ઉપર લારી લઈ ધંધો કરતા ધંધાર્થીને પાલવે તેમ નથી. પોલિસને મફત જમાડવાનું તો લગભગ અલિખીત કરાર જેવુ છે, તેની સાથે મહિને નક્કી કરેલા પૈસા પણ આપવાના મફત જમણ અને પૈસા આપવામાં પણ પોલિસને ક્યાંક માઠુ લાગી જાય નહીં તેની તકેદારી રાખવાની, જાણે પોલિસ હોટલવાળાના જમાઈ હોય તેમ તેમને  સાચવવાના. આમ છતા જો પોલિસને માઠુ લાગી જાય તો ધંધાની પત્તર ફાડી નાખે.

જય દ્રારકાધીશ હોટલમાં વહેલી પરોઢે સવારના ચાર વાગ્યે જમવા ગયેલા બોપલ પોલિસ સ્ટેશનના ચાર પોલિસવાળાને સમજવાની જરૂર હતી કે સવારના ચાર વાગે કઈ રીતે કોઈ હોટલમાં જમવાનું મળે. પરંતુ હોટલ ઉપર ગયેલી પોલિસને જ્યારે હોટલના નોકરે કહ્યુ કે જમવાનું ખલાસ થઈ ગયુ છે. તો તે સાંભળી તેમનો પીત્તો ગયો અને તેમણે નોકરેને કોઈ ઢોરને પણ મારે નહીં એટલો માર માર્યો. આ ચારેય પોલિસવાળા હોટલ માલિક તરૂણસિંહ સાથે ઉઠતા બેસતા હતા. તરૂણસિંહ પણ આ પોલિસવાળાનો માનમોભો જળવાય તેનું ધ્યાન રાખતા હતા. આમ છતાં તરૂણસિંહની ગેરહાજરીમાં નોકરની ના પછી પોતાના મિત્ર હોવાનો દાવો કરતા પોલિસવાળાએ પોતાના નોકર સાથે જે કર્યુ તેનું તેમને માઠુ લાગ્યુ હતું.

જ્યારે તરૂણસિંહ ઝાલાને આ ઘટનાની ખબર પડી ત્યારે પોતાના નોકરને સારવાર અપાવી તે સીધા સરખેજ પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. પહેલા તો તરૂણસિંહને ફરિયાદ નહીં કરવા સમજાવ્યા અને પછી ધમકાવ્યા અને કહ્યુ રસ્તા ઉપર ધંધો કરનારે પોલિસ સાથે બગાડવુ જોઈએ નહીં, પણ તરૂણસિંહ માન્યા નહીં, ફરિયાદ આપી. જો કે ત્યાર બાદ સરખેજના પોલિસ ઈન્સપેક્ટર રામાણીને હોટલના સીસીટીવી ફટેજ જોઈ નોકરને ઢોર માર મારનાર પોલિસ ઉપર ગુસ્સો આવવો જોઈએ અને જે રીતે પોલિસવાળા નોકરને ફટકાર્યો તે રીતે ઘટના સ્થળે જઈ પોલિસને ફટકારવાની જરૂર હતી.

પણ ઈન્સપેક્ટર રામાણીને હોટલ માલિક તરૂણસિંહ ઉપર ગુસ્સો આવ્યો કારણ તેણે પોલિસ સામે ફરિયાદ કરવાની હિમંત કરી હતી. ઈન્સપેક્ટર રામાણીને અચાનક યાદ આવ્યુ કે જય દ્વારકાધીશ હોટલ પાસે લાઈસન્સ છે કે નહીં અને તેમણે જઈ હોટલ માલિકને કહ્યુ હોટલ બંધ કરો, ચાલુ કરી તે દર કલાકે એક કેસ નોંધીશ. રામાણી કાયદાનો અમલ કરે તેની સામે કોઈ વાંધો નથી, પણ રામાણી ભુલી ગયા કે હોટલના લાઈસન્સના કારણે હોટલ બંધ કરાવી પણ સરખેજ પોલિસ સ્ટેશનની આસપાસ ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે તેમણે કોઈ અડ્ડાના માલિકને આ પ્રકારે ધમકી આપી તેમના અડ્ડ બંધ કરાવ્યા નથી. સરખેજ પોલિસના હદમાં દારૂની ટ્રકોનું કટીંગ પણ થાય, પણ ઈન્સપેક્ટર રામાણીને તેનો ગુસ્સો આવતો નથી.

જય દ્વારકાધીશ હોટલ માલિક સાથે થયેલી આ કઈ ગુજરાતની પહેલી ઘટના નથી. ગુજરાતમાં નાની મોટી હોટલ ચલાવતા અને રસ્તા ઉપર નાનો મોટો કોઈ પણ પ્રકારનો ધંધો કરતા તમામ ધંધાર્થીની આવી જ સ્થિતિ છે. જેમની પાસે ખુબ સારા પૈસા છે તેઓ મોટી હોટલો બનાવે છે અને તેમની હોટલના મહેમાન તરીકે સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ આવતા હોવાને કારણે ઈન્સપેક્ટર દરજ્જાના અધિકારી પણ તેવી હોટલ તરફ માથુ કરી ઉંઘતા નથી, પણ જેની પાસે પૈસા નથી, જેને કોઈ રાજનેતા અથવા મોટા અધિકારી ઓળખતા નથી તેવી હોટલવાળા અને લારીવાળાઓને સતત પોલિસના ખૌફમાં જ ધંધો કરવો પડે છે.

રસ્તા ઉપર નાની હોટલ અથવા લારી કરી તે વેપારીએ જાણે દેશનો કોઈ મોટો અપરાધ કરી નાખ્યો હોય તેવી સ્થિતિ તેમની હોય છે. પૈસા અને મફત વસ્તુ લઈ જવા ઉપરાંત પોલિસનો પીત્તા જાય ત્યારે પોલિસનો માર પણ ખાવો પડે છે. રસ્તા ઉપર ધંધો કરવો તેના કરતા દારૂનો ધંધો કરવો સારૂ  છે કારણ ગુજરાતમાં પોલિસ અધિકારીએ કોઈ દારૂનો ધંધો કરતા બુટલેગરને માર્યો હોય તેવુ ભાગ્યે જ બન્યુ છે. દારૂનો ધંધા કરતા બુટલેગરને પોલિસ સ્ટેશનમાં અને સિનિયર અધિકારીઓ કોઈ પ્રોફેસર કરતા વધુ માન આપે છે. ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂ દર આતરે દિવસે પકડાય છે. પણ ગરીબો ઉપર રૂઆબ છાટતા રામાણી જેવા પોલિસ અધિકારીઓને બુટલેગરો ઉપર ગુસ્સો આવતો નથી. તેમને તેઓ ક્યારેય મારતા નથી કારણ તેમના માટે બુટલેગર સોનાનું ઈંડુ આપતી મરધી જેવા છે.

રસ્તા ઉપર ફરતી પીસીઆર વાન પ્રજાના જાનમાલના રક્ષણ માટે છે, પણ મોટા ભાગની પીસીઆર વાનમાં સવાર પોલિસવાળા માને છે કે રસ્તા ઉપર જે ધંધો કરે છે તે તમામ તેમની મહેરબાનીને કારણે ધંધો કરે છે. તેના કારણે તેમને મફત ખાવાનો અને તેમની પાસે પૈસા લેવાનો પરવાનો મળે છે. સાંજ પડે મહેનત કરી પાંચસો કે હજાર રૂપિયા કમાઈ લેતા ગરીબ માણસો ડરના માર્યા અને ધંધો ગુમાવવાની બીકે પોલિસને બંધ મુઠ્ઠીમાં પોતાની મહેતનો મોટો હિસ્સો આપી દે છે., પણ તેની સાથે મળતા નીસાસાની તેમને ખબર પડતી નથી. એક તરફ રાજય અને કેન્દ્ર સરકાર રોજગાર ઉભો કરવાની મોટી જાહેરાતો અને સહાયની વાત કરે છે, પણ કોઈ પણ પ્રકારની સરકારી સહાય વગર સ્વરોજગારી મેળવા ગરીબોને પોલિસ કનડી રહી છે તે તરફ કોઈ સરકારનું ધ્યાન નથી. થોડાક પોલિસ કર્મચારીઓની આ પ્રકારની બદમાશીને કારણે સમગ્ર પોલિસતંત્ર બદનામ થાય છે કારણ સિનિયર પોલિસ અધિકારીઓ પણ ક્યારેય પોતાના સ્ટાફને કહેતા નથી કે ગરીબોને પરેશાન કરશો નહી.