મેરાન્યૂઝ નેટવર્ક.જોધપુરઃ કાળિયારના શિકારના કેસમાં બોલિવુડના એક્ટર સલમાનખાનની સજા રદ્દ કરવાની અરજી પર આગામી સુનાવણીની તારીખ 17 જુલાઈ નક્કી કરવામાં આવી છે. કેસમાં ગત મહિને જ જામીન મળ્યા બાદ સલમાન ખાન સોમવારે એક વાર ફરી જોધપુર સેસન્સ કોર્ટમાં સુનાવણી માટે પહોંચ્યો હતો. આ સુનાવણી દરમ્યાન તેના વકીલે કોર્ટ સમક્ષ સલમાનની સજા રદ્દ કરવાની માગ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાનની બંન બહેનો અલવિરા અને અર્પિતા પણ તેની સાથે કોર્ટમાં પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સલમાનને દોષીત માનવામાં આવ્યો હતો અને પાંચ વર્ષની સજા સંભળાવાઈ હતી. આ કેસ 1998નો છે. સલમાન પર આ દોષ સાબિત થયો છે કે ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન તેણે કાળા હરણનો શિકાર ર્યો હતો. જોકે સલમાનને સજા સંભળાવ્યાના બે દિવસ બાદ જ તેને જામીન પણ મળી ગયા હતા અને તે જેલમાંથી બહાર આવી ગયો હતો.

સલમાન હાલ કોર્ટની પરવાનગી વગર દેશની બહાર નથી જઈ શકતો. સલમાન ઉપરાંતના અન્ય આરોપીઓ તબ્બુ, સૈફ અલી ખાન, નીલમ કોઠારી અને સોનાલી બેન્દ્રેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં સલમાનને 2006માં પણ દોષિત મનાયો હત પણ એક વર્ષ બાદ જ તેની સજા રદ્દ કરી દેવામાં આવી હતી. 2008માં આ મામલે ફરીથી કેસ થયો હતો.