મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: મોડાસા તાલુકાની ટીંટોઇ રેન્જમાં જંગલ વિસ્તારમાંથી બારોબાર કિંમતી સાગના વૃક્ષો કાપી વગે કરવાની ગેરકાયદેસર કાર્યવાહી ચાલતી હોવાની બુમ ઉઠી છે. જંગલની જમીનમાંથી કિંમતી સાગી વૃક્ષો બારોબાર વગે કરવાની પ્રવૃત્તિએ માઝા મૂકી છે તેવુ જાણકારો જણાવી રહ્યા છે . ખાસ કરીને ટીંટોઇ રેન્જના ટીંટોઇ પંચાયતમાં આવેલ જંગલ ખાતાની જગ્યાના આસપાસના વિસ્તારોમાંથી મોટા પાયે સાગી વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યુ છે. આ સિલસિલો બે રોકટોકપણે ચાલી રહ્યો છે. 

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, કુશ્કી અને કુણોલના ત્રીભેટે આવેલ જંગલમાં વૈરય માતાના મંદિર અને નાની માતાનું પૌરાણીક મંદિર આવેલુ છે તેની આસપાસના વિસ્તારમાં સાગના લાકડા મૂળમાં ખોદકામ કરી કાઢી ખાડા પુરી દેવામાં આવ્યા છે. જેના કારણે કોઇ પુરાવા ન રહે પરંતુ કેટલાક લાકડાના થર રહી જતાં સમગ્ર વાત બહાર આવી છે. જંગલમાંમાંથી પ્રતિબંધીત લાખોની કિંમતનું લાકડુ કપાય જાય અને ફોરેસ્ટ અધિકારી અજાણ હોય તે માનવામાં આવતુ નથી. વૃક્ષો વાવો, હરિયાળી લાવો તેવા સૂત્રો પોકારાય છે પણ તેનો અમલ થતો નથી.