મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: સુરતના બિલ્ડરનું અપહરણ કરી તેને મારમારી રૂપિયા 12 કરોડની કિંમતના બિટકોઈન પડાવી લેવાની તપાસ ગુજરાત સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે ત્યારે હવે સુરત પોલીસે સુરતના જ અન્ય એક વેપારીનું અપહરણ કરી બિટકોઈનની માગણી કરનારી ગેંગમાં સામેલ સુરત પોલીસના કોન્સ્ટેબલની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

આ ઘટના પચ્ચીસ દિવસ પહેલાની છે, સુરતના અડાજણમાં રહેતા અને ધોડદોડ રોડ ઉપર  વેસ્ટ ફિલ્ડ મોલમાં ચ્હા-કોફીનો હોલસેલ વેપાર કરતા  જીજ્ઞેશ જયસુખલાલ પટેલ મોલમાં આવ્યા અને હજી પોતાના કાર પાર્ક કરતા હતા ત્યારે  ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા અને તેમણે પોતાની સફેદ ઈનોવા કારમાં જીજ્ઞેશ પટેલને બેસી જવાની ફરજ પાડી હતી. આ ત્રણે વ્યક્તિએ પોતાની ઓળખ સુરત ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ તરીકે આપી હતી પણ જીજ્ઞેશ પટેલ સાથે બળજબરી કરતા નજરે જોનાર સાક્ષી હતો તેમણે પોલીસને જાણ કરી કે જીજ્ઞેશનું અપહરણ થયુ છે.

જીજ્ઞેશ પટેલનું અપહરણ કરી તેમને સીધા કીમ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અપહરણકર્તાએ તેમની પાસે બિટકોઈનની માગણી કરી હતી. અપહરણકર્તાઓએ તેઓ ક્રાઈમ બ્રાન્ચના છે અને જો બિટકોઈન નહીં મળે તો ગુનો દાખલ કરશે તેવી ધમકી આપતા હતા. અપહરણની જાણકારી મળતા પોલીસ બનાવના સ્થળ ખાતે પહોંચી હતી અને ત્યાંથી સીસીટીવી ફુટેજ ચકાસતા પોલીસ ચોંકી ઉઠી હતી કારણ ત્રણ અપહરણકર્તામાં એક સુરતનો સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ અનીસ  સૈયદ ઉર્ફે માંજરો હોવાનું બહાર આવ્યુ હતું. પોલીસે અનીસને શોધવા માટે ચક્રો ગતિમાન કરતા અનીશને જાણકારી મળી ગઈ હતી.

પોલીસ સક્રિય થઈ છે અને ગમે ત્યારે કીમ પહોંચી જશે તેવો ડર લાગતા અપરહણકર્તા જીજ્ઞેશ પટેલને સુરતના આઠવાગેટ પાસે છોડી જતા રહ્યા હતા. આ મામલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરતા જાણકારી મળી હતી કે અગાઉ જીજ્ઞેશ પટેલ બિટકોઈનનો વેપાર કરતા હતા. આ જાણકારી તેમના મિત્ર અને જુના ભાગીદાર કલ્પેશ રાઠોડ પાસે હતી, તેમણે આ માહિતી અનીસ સૈયદને આપી કહ્યુ હતું કે જીજ્ઞેશને ઉપાડી લેશો તો બિટકોઈન મળી શકે છે, તેના કારણે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

જો કે જીજ્ઞેશ પટેલે લાંબા સમયથી બિટકોઈનું કામ બંધ કરી દીધુ હતું તે જાણકારી કલ્પેશ પાસે ન્હોતી. જીજ્ઞેશ પાસે માત્ર એક જ બીટકોઈન હતો. પોલીસે આ મામલે કુલ પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં ઉમરા પોલીસના હાથે રવિવારે અનીત સૈયદ ઉર્ફે માંજરો ઝડપાઈ ગયો હતો. જો કે ગાંધીનગરમાં બિટકોઈન મામલે અમરેલી પોલીસ સામે થયેલા આરોપમાં ઘણી બધી સામ્યતા છે, જેમાં ભાગીદારો પોલીસ સુધી વાત પહોંચાડી તોડ કરાવી રહ્યા છે. આમ પોલીસ જ બિટકોઇન મામલે વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતી હોવાના કિસ્સા અચાનક પ્રકાશમાં આવવા લાગ્યા છે.