મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના દુરના વિસ્તારમાં તો ઠીક પણ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ સામાન્ય માણસને સારૂ જીવવા માટે કેટલી જદ્દોજહદ કરવી પડે છે તેનું આ એક નાનકડુ ઉદાહરણ છે, પણ જો પોલીસ થોડીક નાની મદદ કરે તો પણ સામાન્ય માણસની જીંદગી બદલાઈ શકે છે, અમદાવાદના સમૃધ્ધ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં આવેલી રામદેવનગર નામની વસાહતમાં વર્ષોથી દારૂ અને ગાંજોનું વેચાણ અને સેવન થઈ રહ્યું હતું. સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બરાબર સામે ચાલી રહેલા આ ધંધાને અટકાવવામાં પોલીસને કોઈ રસ ન્હોતો, પણ રામદેવનગરની બાવરી સમુદાયની મહિલાઓ મોરચો માંડતા હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

રામદેવનગરની વસાહત ગુજરાતનો હિસ્સો જ ના હોય તેવી સ્થિતિ હતી. રામદેવનગરમાં ઠેર ઠેર દારૂ અને ગાંજાનું વેચાણ થતું હતું. જેનો સૌથી પહેલો શિકાર રામદેવનગરમાં રહેતા પુરૂષો બનતા હતા. કિશોરથી લઈ વૃધ્ધો સુધી તમામ દારૂ અને ગાંજાના વ્યસની બની ગયા હતા. જેના કારણે પુરૂષો આખો દિવસ મહેનત કરી જે કઈ પૈસા કમાય તે સાંજે ઘરે આપવાને બદલે વ્યસનમાં ખર્ચી નાખતા હતા. દારૂ અને ગાંજામાં સારા પૈસા મળતા હોવાને કારણે સ્કુલે જતાં બાળકો પણ ગાંજાના કેરીયર તરીકે કામ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત શહેરના અનેક યુવાનો પણ દારૂ-ગાંજો લેવા માટે રામદેવનગર આવવા લાગ્યા હતા.

આ સ્થિતિને કારણે બાવરી સમાજની સ્ત્રીઓ ત્રાહિમામ પોકારી ગઈ હતી. કારણ ઘરમાં પૈસા આવવાના બંધ થઈ જતા હતા, રામદેવનગરની વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી કામ કરતી સ્વૈચ્છીક સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ પાસે આ મામલો પહોંચ્યો હતો પરંતુ મંચના આગેવાન મીત્તલ પટેલનો મત હતો કે, બાવરી સમુદાય આ સ્થિતિ સામે લડવા માગે છે તો તેમણે પોતાની લડાઈ જાતે જ લડવી પડશે. આખરે સમુદાયની મહિલાઓ લડાઈ લડી લેવાનો નિર્ણય કર્યો પણ લડાઈ સહેલી ન્હોતી, પોલીસ મદદ કરવા તૈયાર ન્હોતી અને જેઓ આ બે નંબરના ધંધામાં જોડાયેલા છે તેઓ મહિલાઓને આ લડાઈ બંધ કરી દેવા ધમકી આપી રહ્યા હતા. તેના કરતા પણ ગંભીર સ્થિતિ ઘરના પુરૂષો જ આ લડાઈનો વિરોધ કરી રહ્યા હતા.

આટલી વિડંબણાઓ વચ્ચે મહિલાઓ મંચ સાથે મળી રેલીઓ કાઢવાની શરૂઆત કરી પણ તેનું કોઈ પરિણામ આવ્યુ નહીં. આખરે પોલીસ અને પ્રજાનું ધ્યાન દોરવા માટે બાવરી સમુદાયની મહિલાએ રામદેવનગરના પ્રવેશ દ્વાર ઉપર જ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો છે. જો પોલીસ અમને થોડીક મદદ કરશે તો અમે આ વ્યસનને અમારા ઘરમાંથી કાયમ માટે ભગાડી દઈશુ. આમ આ એક નાનકડું ઉદાહરણ છે કે જ્યાં પોલીસની થોડીક અમથી મદદ મહિલાઓ અને તેમના પરિવારોને એક અલગ જ જીવન ધોરણ અપાવી શકે છે.