મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: સરકારી કચેરીમાં નોકરી કરતા ઉચ્ચ અધિકારીઓ ક્યારેક પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે જેના કારણે પદાધિકારીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. આવુ દિવ-દમણના કેન્દ્ર શાશિત વિસ્તારમાં માહિતી અધિકારીના ફરમાનને કારણે થયુ હતું. જો કે અધિકારીની મુર્ખતા એડમિસ્ટ્રેટરના ધ્યાનમાં આવતા તેમણે તરત અધિકારીના તઘલખી ફરમાનને રદ કરી આ પ્રકારનું ફરમાન કરવા બદલ અધિકારીને કારણ દર્શક નોટીસ પાઠવી છે.

દિવ-દમણના માહિતી અધિકારીએ અખબારોને એક લેખિત ફરમાન કરતા ચિમકી આપી કે અમારા ધ્યાનમાં આવ્યુ છે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી પ્રેસ નોટ અને સરકારી કાર્યક્રમના ફોટોગ્રાફને અખબારો સ્થાન આપતા નથી અને સરકારી યોજનાઓનું કવરેજ કરતા નથી. આથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે અખબાર સરકારી પ્રેસનોટ અને ફોટોગ્રાફને પોતાના અખબારમાં સ્થાન આપશે નહીં, તેમની સરકારી જાહેર ખબરો બંધ કરી દેવામાં આવશે. આમ એક સરકારી અધિકારીને તઘલખી વિચાર આવ્યો અને તેમણે અખબારોને ધમકી આપી સરકારી કાર્યક્રમનું કવરેજ કરવા આદેશ આપી દીધો.

આ અંગે મેરાન્યૂઝના સંવાદદાતા દ્વારા દિવ-દમણના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલને પુછવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે માહિતી અધિકારી દ્વારા જે આદેશ આપવામાં આવ્યો તેની જાણ થતાં તેમણે તરત માહિતી અધિકારીના આદેશ ઉપર રોક લગાવી દીધી છે. તેમણે કહ્યુ કે અખબારોને આ પ્રકારે સરકારી પ્રેસનોટ અને ફોટોગ્રાફ લેવાની ફરજ પાડી શકાય નહીં. આ આદેશ કરનાર સરકારી અધિકારીના આદેશને રદ કરવા ઉપરાંત તે અધિકારીને તેમની કચેરી દ્વારા કારણદર્શક નોટીસ પણ આપવામાં આવી છે.