જયેશ મેવાડા (મેરાન્યૂઝ.ગાંધીનગ૨): ભાજપ મારાથી ડરી ગયો છે એટલે સરકારી વકીલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં મુદત્તો પડાવે છે... પાસની નેતાગીરી કરતા કરતા કોંગ્રેસમાં જોડાઈ ગયેલા યુવા નેતા હાર્દિક પટેલનું આ નિવેદન અર્ધસત્ય જેવું જ છે. વાસ્તવમાં પાસના નજીકના સુત્રોનું સાચું માનીએ તો હાર્દિક ભાજપને ડરાવવા માટે જ જામનગરમાંથી ચુંટણી લડવાનું કહી રહ્યો છે. ખરેખર તો હાર્દિક પટેલ લોકસભાની ચુંટણી લડવાનો જ નથી...!

હા, કોંગ્રેસમાં જોડાયેલા પાસના યુવા નેતા હાર્દિક પટેલ લોકસભાની ચુંટણી લડવાનો જ નથી. પરંતુ હાર્દિક પટેલ લોકસભાના ચુંટણી જંગ માટે સ્ટાર પ્રચારક બનીને ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોંગ્રેસનો પ્રચાર ક્રરશે. પાસના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે પાટીદારો માટે ઓ.બી.સી.ની જેમ અનામત માંગી ભાજપ સરકાર સામે આંદોલન કરનાર હાર્દિક પટેલે ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ભાજપ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. હવે સવર્ણ અનામત મળતા પાટીદારોને અનામતનો મુદ્દો રહ્યો નથી. પરંતુ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈને રાજકીય માધ્યમથી યુવાનોને રોજગારી અને ખેડૂતોની દેવા માફી સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે લડત આપશે. 

હાર્દિક પટેલના આ વિઝનને સમર્થન આપતા હોય તેમ ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું કે, આપણા સમાજને આગળ લાવવો હોય તો રાજકારણમાં આગેવાનો અને યુવાનોએ જોડાવવું જોઈએ. એ જ રીતે રાજકોટમાં પણ ખોડલ ધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ પણ રાજકારણમાં આવવાનું જણાવતા કહ્યું છે કે, ક્યા પક્ષમાંથી ક્યારે ચુંટણી લડીશ એ નક્કી નથી. પરંતુ રાજકોટમાંથી જ ચુંટણી લડીશ. એટલા માટે જ પાસના બેનર્સ હેઠળ પાટીદાર અનામત આંદોલન કરી યુવા નેતૃત્વ ઉભું કરનાર હાર્દિક પટેલ પાટીદાર સમાજનો દ્રોહ કરી રાજકારણમાં જતો રહ્યો હોવાનો આક્રોશ કેટલાક પાટીદાર યુવાનો અને ખાસ કરીને ભાજપ દ્વારા વ્યકત કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ કરતા પણ હર્દીકથી વધારે ડરતા ભાજપ ધ્વારા હાર્દિક પટેલને ગમે તે ભોગે કોંગ્રેસમાંથી ચુંટણી લડતો અટકાવવા માટે કવાયત કરવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસમાંથી આયાત કરેલા કે પાટીદાર સમાજના કે.સી.પટેલ સહિતના અનેક આગેવાનોને દર ચુંટણી વખતે ટીકીટ માટે કોણીએ ગોળ વળગાડનાર ભાજપ કોઈપણ ભોગે હાર્દિક પટેલ ચુંટણી લડે નહિ તેવા પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે છેક છેલ્લી ઘડી સુધી જામનગર માટે મેદાનમાં હોવાનું જણાવી ભાજપને ડરાવીને હાર્દિક પટેલ લોકસભાની ચુંટણી લડે જ નહિ તેવું પણ રાજકારણમાં બની શકે છે.